વડોદરા નજીક ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા આગ લાગી, બે ક્લિનર સહિત ત્રણના મોત
વડોદરાઃ ગુજરાતમાં રોજબરોજ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. અકસ્માતને કારણે અનેક લોકો મોતને ભેટી રહ્યા છે, ત્યારે વડોદરા નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. પાદરા-જંબુસર રોડ ઉપર આવેલી આભોર ચોકડી ઉપર ટેન્કર અને ટ્રક સામ-સામે ભટકાતા આગ ફાટી નીકળી હતી. આ ગોઝારી ઘટનામાં એક ચાલક અને બે ક્લિનર સહિત ત્રણ આગમાં બળીને ભડથું થઇ ગયા હતા. આ અકસ્માતને લીધે આજુબાજુના સ્થાનિક લોકો તેમજ અન્ય વાહનચાલકો દોડી આવ્યા હતા. જો કે, ટેન્કર અને ટ્રકમાં લાગેલી વિકરાળ આગના કારણે કોઇએ બચાવ કામગીરી માટે હિંમત કરી ન હતી. અકસ્માતના બનાવની જાણ થતાં વડુ પોલીસ સ્ટેશનનો કાફલો દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસ સૂત્રોમાંથી આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, વડોદરાના પાદરાથી 25 કિલો મીટર દૂર આવેલા પાદરા-જંબુસર રોડ ઉપર આભોર ગામની ચોકડી પાસે પ્રચંડ ધડાકા સાથે ટ્રક અને ટેન્કર સામસામે અથડાઈ હતી. પ્રચંડ ધડાકા સાથે ટેન્કર અને ટ્રક ભટકાતાની સાથે જ આગ ફાટી નીકળી હતી. ટ્રક અને ટેન્કરના કેબિનમાં લાગેલી ભયંકર આગના કારણે ક્લિનરો અને ચાલક પોતાનો જીવ બચાવી શક્યા ન હતા અને આગની પ્રચંડ જ્વાળાઓમાં લપેટાઇ ગયા હતા. પ્રચંડ ધડાકા સાથે ટ્રક અને ટેન્કરમાં આગ લાગતાના આભોર ગામના લોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. આગની જ્વાળાઓને જોઇને કોઇએ બચાવ કામગીરી માટે હિંમત કરી ન હતી. જો કે, સ્થાનિક લોકો દ્વારા પાદરાથી જંબુસર તરફ અને જંબુસરથી પાદરા તરફનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. પરિણામે માર્ગ ઉપર ટ્રાફિક જામ થઇ ગયો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળાં એકઠાં થઇ ગયા હતા. દરમિયાન વહેલી સવારે બનેલી આ ગોઝારી ઘટનાની જાણ પાદરા ફાયરબ્રિગેડને કરવામાં આવતા તુરંત જ ફાયરફાયટરો સ્થળ પર દોડી આવ્યા હતા. તેમજ વડુ પોલીસને બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. ફાયરબ્રિગેડ દ્વારા આગ બુઝાવી દીધા બાદ ટ્રક અને ટેન્કરમાં ભડથું થઇ ગયેલા ચાલક અને ક્લિનરોના મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપવામાં આવ્યા હતા. વડુ પોલીસે ત્રણે વ્યક્તિઓના મૃતદેહો કબજે કરી સરકારી હોસ્પિટલમાં પોષ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. વડુ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. હજુ સુધી પોલીસ આ ઘટનામાં મોતને ભેટલા ત્રણ વ્યક્તિઓની ઓળખ કરી શકી નથી. મૃતક ત્રણે વ્યક્તિની ઓળખ થયા બાદ અન્ય વિગતો બહાર આવશે.