જામનગરઃ ગુજરાતમાં રોજબરોજ રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ભૂજ-ભચાઉ હાઈવે પર સર્જાયેલા અકસ્માત બાદ વધુ એક અકસ્માત જામનગર-જોડિયા હાઈવે પર સર્જાયો હતો. કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતના બનાવમાં ત્રણનો ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે એકને ગંભીર ઈજા થતાં સારવાર માટે જામનગરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ અને 108 એમ્બ્યુલન્સ દોડી ગઈ હતી. અને ફાયર બ્રિગેડની પણ મદદ માગવામાં આવી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ કારના પતરા કાપીને ત્રણેય મૃતકોને બહાર કાઢ્યા હતા.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, જામનગર-જોડિયા હાઈવે પર સંચાણા ગામ નજીક ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. કાર ધડાકા સાથે ટ્રક સાથે અથડાયા બાદ ટ્રકમાં અડધી ઘૂસી ગઈ હતી. જેથી કારમાં પ્રવાસ કરી રહેલા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થતાં તેને જામનગરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જામનગર- જોડિયા હાઈવે પર કાર અને ટ્રક વચ્ચેનો આ અકસ્માત એટલો ભયંકર હતો કે, કારનો આગળનો ભાગનો ફૂરચો બોલી ગયો હતો. જેમાં ફસાયેલા વ્યક્તિને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ફાયરની ટીમે કારના પતરા કાપીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. ઘાયલ થયેલા ઈજાગ્રસ્તને સારવાર માટે તાત્કાલિક જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. આ ગંભીર અકસ્માતના બનાવને પગલે ઘટના સ્થળ પર ચાર જેટલી 108 પણ પહોંચી હતી અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ શરૂ કરી છે.