- ધ્રોળના જાયવા ગામ પાસે બન્યો બનાવ,
- ત્રણેયના ઘટના સ્થળે મોત નિપજ્યા,
- અકસ્માતને લીધે ટ્રાફિક જામ થયો
રાજકોટઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. હાઈવે પર પૂરફાટ દોડતા વાહનો નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યા છે. જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોલના જાયવા ગામ નજીક પુરપાટ આવતી બોલેરોએ એક્ટિવાને ટક્કર મારતાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. આ બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને અકસ્માતના બનાવની પોલીસને જાણ કરી હતી,
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોલ નજીક જાયવા ગામ નજીક આવેલી આશાપુરા હોટલ પાસે વહેલી સવારે બોલેરો અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો છે. પુરપાટ દોડતી બોલેરોએ એક્ટિવાને ટક્કર મારતાં ત્રણના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, ધ્રોલ તાલુકાના ભેંસદડ ગામના કુંભાર પરિવાર અકસ્માતનો ભોગ બન્યુ હતુ. આ અકસ્માતના બનાવની જાણ થતાં જ એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઘટનાને પગલે હાઇવે પર વહેલી સવારે લોકોના ટોળા એકઠા થયા હતા. પોલીસે મૃતદેહને પી.એમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. વહેલી સવારે સર્જાયેલા અકસ્માતને પગલે જામનગર-રાજકોટ હાઇવે પર ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. સ્થળ પર પહોંચી પોલીસે ટ્રાફિક રાબેતા મુજબ ચાલુ કરાવ્યો હતો અને અકસ્માત કઈ રીતે થયો તેની તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મુળ ધ્રોલ તાલુકાના ગામ ભેંસદડનો કડિયા ક્ષત્રિય પરિવાર વર્ષોથી વાપી સ્થાયી થયેલો છે. તાજેતરમાં દિવાળીના તહેવારોમાં આ પરિવાર પોતાના વતન ભેંસદડ ગામે આવ્યો હતો. આ પરિવાર ગતરોજ એક્ટિવા લઇને રાજકોટ ખાતે એક પ્રસંગમાં ગયો હતો. જ્યાંથી આજે વહેલી સવારે પરત આવતો હતો. આ દરમિયાન ધ્રોલ નજીક જાયવા ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ પર એક્ટિવામાં પેટ્રોલ ભરાવીને નીકળતી વેળાએ આશાપુરા હોટલ નજીક પુરપાટ આવતી બોલેરોએ એક્ટિવાને ટક્કર મારી હતી. જેમાં 36 વર્ષીય સંજયભાઇ રમેશભાઈ ચોટલિયા, તેમના પત્ની 35 વર્ષીય ઇનાબેન સંજયભાઇ ચોટલિયા અને એમની 4 વર્ષીય પુત્રી નિષ્ઠા સંજયભાઇ ચોટલિયાના ઘટનાસ્થળે જ મોત થયા હતા