Site icon Revoi.in

બનાસકાંઠાના શિહોરીના બલોચપુરા આશ્રમમાંથી ત્રણ કિલો ચરસ પકડાયુ, બે શખસોની અટકાયત

Social Share

પાલનપુરઃ ગુજરાતમાં છેલ્લા મહિનાઓથી ચરસ. ગાંજો સહિત લાખો રૂપિયાનું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. ડ્રગ્સના રેકેટને પકડી પાડવા પોલીસ તંત્ર પણ જહેમત ઉઠાવી રહ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા SOG પોલીસે શિહોરી વિસ્તારમાંથી ત્રણ કિલોથી વધુ ચરસના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડી 11 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. SOG પોલીસ શિહોરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળતાં કાર્યવાહી કરવામાં આવી હતી.

બનાસકાંઠા સરહદી અને પછાત જિલ્લો ગણાય છે. જિલ્લામાં ગાંજા અને ચરસની હેરફેર થતી હોય છે. તેની સામે પોલીસ તંત્ર એલર્ટ રહે છે. ત્યારે જિલ્લાના એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, શિહોરીના બલોચપુરા ગામમાં આવેલા એક આશ્રમમાં ચરસનો જથ્થો છૂપાવવામાં આવ્યો છે. જેથી પોલીસે રેડ કરી હતી. આશ્રમમાં રેડ દરમિયાન ચરસ સ્ટીકો 247 નંગ મળી આવી હતી. જેનું વજન 3.104 કિલો હતુ. તેમજ એક  લાખ 97 હજાર રોડકા અને એક કાર મળી કુલ 11 લાખ 73 હજારના મુદ્દામાલ સાથે પુજારી અને એક અન્ય શખસની અટકાયત કરી હતી. અટકાયત કરેલા એક શખસ પાસેથી  આર્મી જવાનનું આઇકાર્ડ પણ મળી આવ્યું હતું.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે,  બનાસકાંઠા SOGની આ કાર્યવાહી દરમિયાન ચરસ સાથે બાબા દયાલગીરી નામનો જે પુજારી ઝડપાયો છે, જેને આગાઉ પણ નાર્કોટિક્સના ગુનામાં જેલ ભોગવેલી છે. જ્યારે અન્ય રાજવીરસિંહ મેઘસિંહ જાટ નામનો શખ્સ ઝડપાયો છે. એની જોડેથી આર્મી PTRનું કાર્ડ મળ્યું છે. જે ઉત્તર પ્રદેશના મથુરાના ભીક્કા ખેરા નગલા ગામનો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે બંને આરોપીઓ સાથે મુદ્દામાલ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.