દસાડાના બુબવાણા ગામે ટ્રેકટરની ટ્રોલી વીજ વાયરને અડી જતાં ત્રણ શ્રમિકોનાં મોત, 6 દાઝી ગયાં
સુરેન્દ્રનગરઃ જિલ્લાના દસાડા નજીક આવેલા બુબવાણા ગામે મજૂરો ભરીને જતી ટ્રેક્ટરની ટ્રોલી વીજવાયરને અડી જતાં વીજશોક લાગતાં ત્રણ મજૂરનાં ઘટનાસ્થળે મોત થયાં હતાં, જ્યારે 6 મજૂર દાઝી ગયા હતા. તમામ મૃતકો અને ઈજાગ્રસ્તો મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના અલીરાજપુર તાલુકાના હોવાનું જાણવા મળ્યુ છે. વીજશોક એટલો ભયંકર હતો કે ટ્રેક્ટરના આગળનાં ચારેય ટાયરો બળી ગયાં હતાં. આ બનાવથી બુબવાણા ગામમાં શોક વ્યાપી ગયો હતો. બનાવની જાણ થતાં દસાડા પીએસઆઈ વી.આઈ. ખડિયા સહિતનો પોલીસ સ્ટાફ બુબવાણા ગામે દોડી ગયો હતો. ત્રણેય મજૂરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપ્યા હતા, જ્યારે ઈજાગ્રસ્ત મજૂરોને ગંભીર હાલતમાં સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલમા ખાસેડવામાં આવ્યાં હતા. પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની એવી વિગતો જાણવા મળી છે. કે, દસાડા નજીક આવેલા બુબવાણા ગામે હાલ રવિ સીઝનને લીધે એક ખેડુત પોતાના ટ્રેકટરમાં શ્રમિકોને બેસાડીને પોતાના ખેતર પરફ જઈ રહ્યા હતા. ત્યારે ટ્રેકટરની ટ્રોલી લટકતા વીજ વાયર સાથે અથડાતા હેવી વીજ કરંટને કારણે ટ્રેકટરની ટ્રોલીમાં બેઠેલા ત્રણ શ્રમિકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 6 શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હતા. આ બનાવની જાણ થતાં જ દસાડા પીએસઆઇ વી.આઈ.ખડિયા સહિતનો પોલીસ સ્ટાફ તાકીદે બુબવાણા ગામે દોડી ગયો હતો તેમજ આ ઘટનાની જાણ કરાતાં પાટડી પ્રાંત કલેકટર આઈ.એ.એસ.- જયંતસિંહ રાઠોડ, પાટડી મામલતદાર જી.પી.પટેલ અને નાયબ મામલતદાર રઘુભાઇ ખાંભલા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે અને બાદમાં હોસ્પિટલે દોડી ગયા હતા. આ ટ્રેક્ટરમાં બેસીને મજૂરો ખેતરમા કાલા વીણવા જતા હતા ત્યારે આ ગોઝારી ઘટના બની હતી.
બુબવાણાના સરપંચે અગાઉ ગ્રામપંચાયતના લેટર પેડ પર પીજીવીસીએલને આ નીચા વાયરો અંગે લેખિત રજૂઆત કરી હતી છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. મજૂરો ભરેલી ટ્રોલી સાથેનું ટ્રેક્ટર ગામમાંથી ખેતરે પહોંચે એ પહેલાં રસ્તામાં જ આ ગોઝારી ઘટના બની હતી. મૃતકોમાં ઉર્મિલાબેન અજયભાઈ (ઉંમર વર્ષ 25), લાડુબેન ભરમાભાઈ (ઉ.વ 50) અને કાજુભાઈ મોહનભાઈ (ઉંમર વર્ષ 35)નો સમાવેશ થાય છે.