ભાવનગરઃ રાજ્યમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. હાલ ગોહિલવાડ પંથકમાં કપાસની સીઝન ચાલી રહી હોવાથી વેપારીઓ સીધા ખેડુતો પાસેથી કપાસની ખરીદી કરી રહ્યા છે. એટલે ગામેગામ કપાસની ટ્રકો ભરાઈ રહી છે. દરમિયાન જિલ્લાના ગારીયાધાર નજીક કપાસ ભરેલો ટ્રક પલટી જતા ત્રણ મજૂરોના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય ચાર લોકોને ઈજા પહોંચતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આઈસર પલટી જવાના કારણે રસ્તા પર રૂનો ઢગલો થઈ ગયો હતો. જેના કારણે તાત્કાલીક રસ્તા પરથી રૂ દૂર કરવામાં આવ્યું હતું. ઘટનાના પગલે પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુાકના ફીફાદ રોડ પરથી કપાસ ભરેલી ટ્રક પસાર થઈ રહી હતી. ટ્રક ગારીયાધાર તરફ આવી રહી હતી ત્યારે જ ટ્રકના ચાલકે કાબુ ગુમાવતા ટ્રક રોડ પર પલટી ગઈ હતી. જેના કારણે કપાસના જથ્થા પર બેઠેલા મજૂરો નીચે પટકાતા ત્રણનાં મોત નિપજ્યા હતા. જ્યારે ચારને ઈજાઓ પહોંચતા સારવાર માટે ગારીયાધાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં મોહન પુરન મુખીયા, નવલ તેતર સદા અને ઈન્દ્રકુમાર સરની નામના ત્રણ મજૂરોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ટ્રકમાં તેની ક્ષમતા કરતા વધુ કપાસનો જથ્થો ભર્યો હતો. ટ્રક પલટી ખાતા જ કપાસના જથ્થાની સાથે મજૂરો પણ રસ્તા પર પટકાયા હતા. રસ્તા પર મોટા પ્રમાણમાં રૂનો જથ્થો ઠલાવાતા તાત્કાલિક કપાસના જથ્થાને દૂર કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.