ગાંધીનગરઃ શહેરના ઇન્દ્રોડા પાર્કમાં ત્રણ દીપડા અને એક દીપડી યાને માદાને જુનાગઢના ઝૂમાંથી લાવવામાં આવશે, તેના માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ઈન્દ્રોડા પાર્કમાં સિંહની જોડી ખંડીત થયા પછી દીપડાની નવી જોડી લાવવામાં આવી છે. ઈન્દ્રોડા પાર્કમાં હાલ બે નર દીપડા મુલાકાતીઓને મોજ કરાવી રહ્યા છે. હવે જૂનાગઢના શક્કરબાગ ઝૂમાંથી દીપડાની નવી એક જોડી લવાશે. જેના નામ શ્રવણ અને રક્ષા આપવામાં આવ્યા છે. દીપડાની જોડીને વન્યજીવ સપ્તાહ દરમિયાન બીજી ઓક્ટોબરના રોજથી મુલાકાતીઓ માટે ખુલ્લી મુકવામાં આવશે. જેથી 3 દીપડા અને 1 માદા દીપડી મુલાકાતીઓ નિહાળી શકશે.
ગાંધીનગર શહેરના છેવાડે સાબરમતી નદીના કિનારે આવેલા ઇન્દ્રોડા પાર્કમાં એક દીપડાની જોડી હોવા છતા જૂનાગઢના શક્કરબાગ ઝુ માંથી વધુ એક નવી નર અને માંદાની જોડી લાવવામાં આવી છે. આશરે 4 વર્ષની જોડી હાલમાં ક્વોરોન્ટાઇન પિરીયડમાં રાખવામાં આવી છે, પાર્કમાં કોઈપણ નવુ પ્રાણી લાવવામાં આવે ત્યારે ઓછામાં ઓછુ એક પખવાડીયુ ક્વોરોન્ટાઇનમાં રાખવામાં આવે છે, જ્યારે હવામાન માફક આવી ગયા પછી તેને જાહેરમાં મુકવામાં આવે છે. એટલે 2જી ઓક્ટોબરના રોજ ઉદ્યાનમાં મુલાકાતીઓ દીપડાની નવી જોડીને નિહાળી શકશે.
ગાંધીનગરનું પ્રકૃતિ ઉદ્યાન પ્રાણી સંગ્રહાલય તરીકે જાણિતુ બની ગયુ છે, ઉદ્યાનમાં સિંહની જોડી ખંડીત થયા પછી નવી જોડી લાવવા માટે પણ ઉદ્યાનના સત્તાધિશો દ્વારા કવાયત કરવામાં આવી રહી છે, તે કમી પણ આવનાર સમયમાં પુરી કરવામાં આવશે. પ્રકૃતિ ઉદ્યાનમાં સિંહની જોડી આવતા સમય લાગશે. પ્રકૃતિ ઉદ્યાનમાં હાલના સમયમાં વાઘ અને દીપડાની જોડી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.