Site icon Revoi.in

અમદાવાદના પશ્વિમ વિસ્તારમાં 32 માળની વધુ ત્રણ હાઈરાઈઝ્ડ બિલ્ડિંગ બનશે

Social Share

અમદાવાદઃ શહેરમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી વિસ્તાર અને વસતીમાં ખસ્સો વધારો થયો છે. રોજગારીની તલાશમાં બહારથી ઘણાબધા લોકોએ શહેરમાં આવીને વસવાટ શરૂ કર્યો છે. તેના લીધે રિયલ માર્કેટમાં તેજી ચાલી રહી છે. બીજીબાજુ શહેરમાં હવે હાઈરાઈડ્ઝ બિલ્ડિંગોની સંખ્યા આગામી વર્ષોમાં વધી જશે. શહેરમાં વધુ ત્રણ 32 માળની બિલ્ડિંગ બનાવાશે. મહત્વનું છે કે આ પહેલા સાયન્સ સિટી રોડ પર 32 માળની બિલ્ડંગને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. હવે વધુ ત્રણ બિલ્ડિંગના પ્રોજેક્ટને લઈને દરખાસ્ત કરવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં વધુ ત્રણ બિલ્ડિંગની ગોતા, આંબલી અને શીલજ માટે દરખાસ્ત કરવામાં આવી છે. આ 32 માળની બિલ્ડિંગના એક પ્રોજેક્ટ પાછળ વધુમાં વધુ સાડા ત્રણ વર્ષનો સમય લાગશે અને તેની પાછળ 800થી 1100 કરોડ ખર્ચ થશે. જેમ ટેક્નોલોજી આવી રહી છે તેની સાથે-સાથે કામ પણ ઝડપથી થઈ રહ્યું છે. સિવિલ એન્જિનિયરિંગમાં ગણા સંશોધનો થયા છે. અને સમયની સાથે ટેકનોલોજીમાં બદલાવ પણ આવ્યો છે. નવી ટેક્નોલોજી પ્રમાણે ધાબુ અને દીવાલ અલગ-અલગ જગ્યાએ તૈયાર કરવામાં આવે છે અને પછી તેને ફીટ કરવામાં આવે છે. જેના કારણે ઘણો સમય બચી જાય છે.

રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ  નવી ટેક્નોલોજી ધીરે-ધીરે વિકસી રહી છે, જેમાં સમયની પણ ઘણી બચત થાય છે.  આ નવા પ્રોજેક્ટ્સમાં શહેરના જાણીતા એક બિલ્ડર્સ  દ્વારા રૂપિયા 5 હજાર કરોડના ખર્ચે આઈટી પાર્ક ત્રાગડમાં બનવા જઈ રહ્યું છે. જ્યારે તેમનો ત્રીજો પ્રોજેક્ટ ગોધાવીમાં સ્માર્ટ ટાઉનશીપ રૂપિયા 25000 કરોડમાં બનશે. આ સિવાય મૂલસાણા (ન્યુ કર્ણાવતી ક્લબ પાસે) ટાઉનશીપ બનવા જઈ રહી છે. નિરમા પણ રિયલ એસ્ટેટમાં આવી રહ્યું છે અને આ ગ્રુપ દ્વારા સોલા, ભાડજ તથા ઓગણજમાં રેસિડેન્શિયલ ટાઉનશીપ બનવા જઈ રહી છે.

ક્રેડાઈના સૂત્રોએ જણાવ્યું હતું  કે,  તમામ નવા પ્રોજેક્ટ્સ ફાસ્ટ ટ્રેકમાં મંજૂરી આપવામાં આવે તેવી માગણી સરકારને કરી છે. રેરામાં મંજૂરી માટે 8-12 મહિનાનો સમય લાગે છે તેમાં ઘટાડો કરાય અને ગ્રીન ચેનલ દ્વારા મંજૂરી અપાય તેવી માગણી કરાઈ રહી છે.

(PHOTO-FILE)