જામનગરઃ ગુજરાતમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે જામનગરના કાલાવડ નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. કાલાવડ તાલુકાના માટલી ગામ નજીક ઇક્કો અને ટ્રેકટર ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાતા કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાય જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક જામનગર અને કાલાવડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આ અકસ્માતમાં જાણીતા મુસ્લિમ સમાજના ધર્મગુરૂનો ઇન્તેકાલથી મુસ્લિમ સમાજમાં ઘેરા શોકની લાગણી જન્મી છે. મસીતિયા ગામના એક સાથે ત્રણ વ્યક્તિના મોતથી ગામમા શોકની કાલીમાં છવાઈ છે.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, કાલાવડ-જામનગર હાઇવે પર માટલી ગામ નજીક રાત્રે ઇક્કો કાર અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ઇક્કો કારનો બુકડો બોલી ગયો હતો. જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા.જ્યારે બે વ્યક્તિની હાલત ગંભીર છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે જી. જી. હોસ્પિટલ ખસેડાયા છે. આ અકસ્માતમાં જામનગર જિલ્લા મુસ્લિમ સમાજના પીરે તરીકત એવા સૈયદ આમનશાબાપુ સિદ્દીકમિયાબાપુ મટારી સહિત તેમના પરિવારના સૈયદ આબેદામાં અને સૈયદ ઝેનબમાંનો ઇન્તેકાલ થતાં મુસ્લિમ સમાજ તેમજ મસિતિયા ગામમાં દમનીની વ્યાપી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં જ માટલી ગામના સરપંચ સહિત ગામલોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતના બનાવના સ્થળે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા..ગ્રામજનો અને પોલીસ દ્વારા અકસ્માત થયેલા વાહનોને રસ્તા પરથી દૂર કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ કરાયો હતો.
આ અકસ્માતમાં ગંભીર ઇજા પામેલા બે જણાને જામનગરની જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. જી.જી.હોસ્પિટલ ખાતે મસીતિયા ગામના અગ્રણી હાજી કસામભાઇ ખફી, હનીફભાઇ પતાણી અને ઇકબાલભાઇ ખફી (ભૂરાભાઇ) સહિત લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.