Site icon Revoi.in

પાટડીના મજેઠી રોડ પર દૂધના ટેન્કરે બાઈકને અડફેટે લેતા બાળક સહિત ત્રણના મોત

Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ પાટડીના મજેઠી રોડ પર બન્યો હતો. પાટડી તાલુકાના માલવણ હાઈવે પર મોટી મજેઠી અને રાજપર વચ્ચે દૂધના ટેન્કર અને મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમા બાળક સહિત ત્રણના મોત નિપજ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં એક બાળકીનો આબાદ બચાવ થયો હતો. પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, પાટડી તાલુકાના ભડેણા ગામના 60 વર્ષના કેસભાઈ ગંગારામ પાંચાણી પોતાના 8 વર્ષના પૌત્ર રોનક મેરૂભાઇ પાંચાણી અને પોતાના સાળા ઘનશ્યામભાઈ ઝાંપડીયા અને અન્ય બે દીકરીઓ આરતીબેન ઘનશ્યામભાઈ ઝાંપડીયા અને અંજનીબેન મેરૂભાઇ પાંચાણીને મોટરસાયકલ પર લઈને ભડેણાથી કમાલપુર સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં છોકરાઓના સ્કોલરશિપના નાણાં ઉપાડવા માટે જઈ રહ્યાં હતા.ત્યારે સામે મજેઠીથી માતેલા સાંઢની માફક પૂરઝડપે આવેલા દૂધના ટેન્કર ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા દૂધના ટેન્કર અને મોટરસાયકલ વચ્ચે ધડાકાભેર જોરદાર અકસ્માત સર્જાયો હતો.જેમા દૂધનું ટેન્કર ફંગોળાઈને ખેતરમા જતું રહ્યું હતું.જ્યારે મોટરસાયકલ પર સવાર  લોકો રોડ પર પટકાયા હતા.આ ગોઝારા અકસ્માતની ઘટનામાં દાદા કેસભાઈ ગંગારામભાઈ પાંચાણી ( ઉંમર વર્ષ-60 )અને એમના પૌત્ર રોનક મેરૂભાઇ પાંચાણી( ઉંમર વર્ષ-8 )ને હાથે, પગે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ લોહીલુહાણ હાલતમાં ત્યાંજ ઢળી પડતા એમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે આ અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા સાળા ઘનશ્યામભાઈ ઝાંપડીયા અને એમની દીકરી આરતીબેન ઘનશ્યામભાઈ ઝાંપડીયા અને અંજનીબેન મેરૂભાઇ પાંચાણીને પણ ગંભીર ઈજાઓ પહોંચતા એમને ગંભીર હાલતમાં 108 એમ્બ્યુલન્સ વાનમાં તાકીદે સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.જેમાં મૃતક કેસભાઈ ગંગારામભાઈ પાંચાણીના સાળા ઘનશ્યામભાઈ ઝાંપડીયાનું પણ વિરમગામ હોસ્પિટલમા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત આરતીબેન ઘનશ્યામભાઈ ઝાંપડીયા હજી હોસ્પિટલમાં કોમામાં છે. જ્યારે આ ગોઝારી ઘટનામાં એકમાત્ર અંજનીબેન મેરૂભાઇ પાંચાણીને માત્ર નાની મોટી ઈજાઓ પહોંચતા એનો આબાદ બચાવ થયો હતો.

આ ઘટનાના પગલે ભડેણા સરપંચ રાજુભાઈ સહિતના ગ્રામજનો ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં બજાણા પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ દૂધના ટેન્કર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે દૂધનો ટેન્કર ચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો.