સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં રોજબરોજ રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં જિલ્લામાં વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. મૂળી-સરલા રોડ પર કોલસા ભરેલા ડમ્પર પાછળ કાર ઘૂસી ગઈ હતી. તેથી કારમાં સવાર પતિ-પત્ની અને પૂત્રના મોત નિપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિને ઈજાઓ થઈ હતી. અકસ્માતના આ બનાવમાં એક બાળકનો આબાદ બચાવ થયો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી સરલા રોડ પર કોલસા ભરેલા ડમ્પર પાછળ રિફ્લેક્ટર કે લાઈટ ન હોવાથી પૂરફાટ ઝડપે જતી કારના ચાલકને ડમ્પર ન દેખાતા કાર ડમ્પરની પાછળ ધડાકા સાથે ઘૂંસી ગઈ હતી. જેથી કારના આગળના ભાગનો કચ્ચણઘાણ વળી ગયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. તેમજ એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. જેથી તેને રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જ્યારે આશરે પાંચથી છ વર્ષના એક બાળકનો આબાદ બચાવ થયો છે. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૂળી-સરલા રોડ ઉપર ખનીજ ભરેલા ડમ્પર પાછળ રિફલેક્ટર લાઈટ નહીં હોવાથી પાછળ આવતી કાર ઘૂસી ગઈ હતી. જેથી કારમાં સવાર પતિ-પત્ની સહિત ત્રણ લોકોના મોત થયા છે. આ ત્રણેય મૃતકો મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના લાકડદાના રહેવાસી હતા. આ ઘટનાને પગલે ડમ્પર ચાલક પોતે ફરિયાદી બન્યો છે. જેણે કાર ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. આ અકસ્માતની ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફિક જામનાં દૃશ્યો પણ સર્જાયાં હતાં. અકસ્માતના બનાવના સ્થળે લોકોનાં ટોળેટોળાં ઊમટ્યાં હતાં. પોલીસે તાકીદે ત્રણેય લાશોને પોસ્ટ મોર્ટમ માટે મૂળીની સરકારી હોસ્પિટલે મોકલી આપ્યા હતા. અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરવામાં આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.