Site icon Revoi.in

અમદાવાદમાં 50 અને 100ના દરની બનાવટી ચલણી નોટો સાથે મહિલા સહિત ત્રણ પકડાયાં

Social Share

અમદાવાદઃ શહેરના દાણીલીમડા વિસ્તારમાંથી રૂપિયા 50 અને 100ના દરની બનાવટી નોટો સાથે એક મહિવા સહિત ત્રણ શખસોને પોલીસે પકડી પાડ્યા હતા. મોહરમનો તહેવાર હતો અને આવા સમયે રાત્રીના બજારોમાં ભીડ રહેતી હોય છે. જેથી આ ત્રણેય આરોપીઓ નકલી નોટો લઈને બજારમાં ફરતી કરવા માટે નીકળ્યા હતા. ત્રણેય આરોપીઓ પાસેથી રૂ.100ના  દરની કુલ સાત નોટો,અને રૂ.50ના દરની કુલ 34 નોટો મળી આવી હતી. ત્રણેય આરોપીઓ ઇન્ટરનેટના માધ્યમથી નકલી નોટો બનાવવાનું શીખ્યા હતા અને ઘરે જ પ્રિન્ટીંગ મશીન દ્વારા નકલી નોટો છાપતા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના દાણીલીમડા પોલીસ પેટ્રોલીંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે એક મહિલા સહિત ત્રણ લોકો નકલી નોટો બજારમાં ફરતી કરવાના છે તેના આધારે પોલીસે વટવાના ઇમરાન પઠાણ, શાહઆલમના સલીમ મિયા શેખ અને શાહપુરની જોહરા બીબીને ઝડપી પાડ્યા હતા. ત્યારે ત્રણેય આરોપીઓ એકબીજાના સબંધીઓ થાય છે. પોલીસે તપાસ કરતા એવી હકિકત મળી હતી. કે આરોપીઓ આર્થિક ભીંસમાં આવી ગયા હોવાથી નકલી નોટો બનાવાનું નક્કી કર્યું હતું. વટવા વિસ્તારનો રહેવાસી એવા ઈમરાને પોતાના મકાનમાં ભારતીય ચલણની બનાવટી નોટો છાપી હતી.તેને માર્કેટમાં ફરતી કરવાનું નક્કી કર્યું હતું. આ કામ માટે મહિલાને જોડે રાખી હતી, જેથી કરીને કોઈને શંકા જાય નહી અને સરળતાથી બજારમાં નકલી નોટો ફરતી કરી શકાય. આરોપીઓએ પોલીસ સમક્ષ એવી કેફિયત વર્ણવી છે કે આ બનાવટી નોટો તેમણે ટ્રાયલ બેઝ પર બનાવી હતી. જો આમાં સફળતા મળી ગઈ હોત તો વધુ બનાવટી નોટો છાપવાના હતા.

પોલીસ સૂત્રોએ ઉમેર્યુ હતું કે, બનાવટી નોટો છાપનારા આરોપીઓએ ચલણી નોટો અને બનાવટી નોટો વચ્ચેનો ભેદ શું હોય છે તેની પુરેપુરી સમજણ મેળવી હતી.બાદમાં ઇન્ટરનેટના માધ્યમથી ચલણી નોટો કેવી રીતે બનાવી શકાય તેનો અભ્યાસ કર્યો હતો. ભારતીય ચલણી નોટોમાં જે પ્રકારનું કાગળ વપરાય છે,તેની વ્યવસ્થા આરોપીઓએ કરી હતી.જે બાદ પ્રિન્ટર વડે પહેલા 50 રૂપિયાના દરની નકલી નોટો છાપી અને બાદમાં 100 રૂપિયાના દરની બનાવટી ચલણી નોટો છાપવાનું શરુ કર્યું હતું. ત્યારબાદ સરળતાથી બનાવટી નોટો માર્કેટમાં ફરતી કરી શકાય તેથી મહિલાને જોડે રાખી હતી.