નડિયાદ : રાજ્યમાં હાઈ-વે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. આજે સ્વાતંત્ર્ય પર્વના દિને આણંદના બોરીયાવી રાવળાપુર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટેન્કરે બાઈકને કચડી નાંખ્યુ હતું. આ અકસ્માતમાં બાઈક પર સવાર પિતા-પુત્ર અને કાકાનું મોત નિપજ્યું છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, બાઈક ટેન્કરની નીચે ધૂંસી ગયુ હતું અને ટેન્કરે ત્રણેયને કચડ્યા હતા.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આણંદના બોરીયાવી પાસે નેશનલ હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રકે બાઈકને ટક્કર મારતા ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ ઘટનાને પગલે આણંદ ગ્રામ્ય પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી. આ અકસ્માત જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી કે, કેવી રીતે બાઈક ટેન્કરના પૈડા નીચે જતુ રહ્યુ હતું. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. જેમાં 10 વર્ષના માસુમ બાળકનું પણ મોત નિપજ્યુ છે. હિતેશભાઈ પરમાર (ઉંમર 29 વર્ષ), તેમનો ભાઈ જયેશ પરમાર (ઉંમર 18 વર્ષ) અને હિતેશભાઈનો 10 વર્ષનો દીકરો હર્ષદકુમાર પરમાર સામરખા ખાતે મંદિરમાં દર્શન કરવા ગયા હતા. તેઓ બાઈક પર મંદિરથી પરત ફરી રહ્યા હતા ત્યારે બોરીયાવી પાસે એક ટ્રકે તેમની બાઈકને અડફેટે લીધી હતી. જેમાં ટેન્કરે બાઈક સાથે ત્રણેયને કચડી નાંખ્યા હતા. જેમાં પિતા-પુત્ર અને કાકાનાં મોત નિપજ્યા હતા. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.