લીંબડી અમદાવાદ હાઈવે પર ટેમ્પાનું ટાયર બદલી રહેલા ત્રણ વ્યક્તિઓને ટ્રકે અડફેટે લેતા મોત
સુરેન્દ્રનગરઃ અમદાવાદ-લીંબડી હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. લીંબડી નજીક કટારિયા ગામના પાટિયા પાસે વધુ એક અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા. આ ગમખ્વાર અકસ્માત અંગે પાણશીણા પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ટ્રાફિકથી 24 કલાક ધમધમતા લીંબડી હાઇવે પર અવારનવાર ગોઝારા અકસ્માતના બનાવો બની રહ્યા છે. જેમાં અનેક લોકો અકાળે મોતને ભેંટતા હોય છે. ત્યારે લીંબડી – અમદાવાદ હાઇવે પર કટારીયા ગામના પાટીયા પાસે ટ્રક ચાલકે ત્રણ વ્યક્તિઓને અડફેટે લીધા હતા. હાઈવેની સાઈડ પર ટેમ્પાને પાર્ક કરીને તેનું ટાયર બદલતા મધ્યપ્રદેશના ત્રણ વ્યક્તિને ટ્રકે અડફેટે લીધા હતા. ગત મોડી સાંજના સમયે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં છોટા હાથીનું ટાયર બદલી રહેલા પરપ્રાંતિય ત્રણ વ્યક્તિનાં મોત નિપજ્યાં હતા. આ ગોઝારા અકસ્માતની ઘટના અંગે પાણશીણા પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતને કારણે હાઈવે પરનો ટ્રાફિક જામ થઈ ગયો હતો.
આ ઘટનામાં ઓમપ્રકાશ દુલીચંદ ચૌહાણ, એનો પિતરાઇ ભાઇ રાજુ મદનલાલ ભાટોદરા અને કાકા મહેશ ભેરૂલાલ ચૌહાણ ( ત્રણેય રહે- મધ્યપ્રદેશ )ના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. આ બનાવ અંગે મૃતક ઓમપ્રકાશ ચૌહાણના પિતાએ ટ્રક નં. MH-43-BG-0119ના ચાલક રઘુવેન્દ્ર ચંદ્રભુશન ત્રિપાઠી ( ઉત્તરપ્રદેશ ) વિરુદ્ધ લીંબડીના પાણશીણા પોલિસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસ ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.