અમદાવાદમાં એરપોર્ટના રનવે પર પક્ષીઓનું ઝૂંડ આવી જતાં ત્રણ વિમાનો બર્ડહિટ થતાં બચ્યાં
અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટના રનવે પર પક્ષીઓનું ટોળું આવી જતાં 3 વિમાન બર્ડહિટ થતાં બચી ગયા હતા. ઈન્ડિગોનું એક અને એક ચાર્ટર્ડ વિમાનને ટેકઓફમાં વિલંબ થયો હતો. ગો-ફર્સ્ટની ફ્લાઈટને પક્ષીઓના ઝૂંડથી લેન્ડિંગની મંજૂરી ન મળતાં હવામાં ચક્કર મારવા પડ્યા હતા. 6 ડિસેમ્બરે વારાણસીની ફ્લાઈટને બર્ડહિટ થતાં આગળનો ભાગ ડેમેજ થયો હતો. એરપોર્ટના રન વે પર પક્ષીઓ આવી ન જાય તે માટે ભારે તકેદારી રાખવામાં આવે છે. છતાં સવારના સમયે ક્યારેક પક્ષીઓના ઝૂંડ આવી જતાં હોય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ એરપોર્ટ પર એર ટ્રાફિક સારોએવો રહે છે. રનવે પર કૂતરા કે વાંદરા આવી ન જાય તે માટે બ્રાઉન્ડ્રી વોલ બનાવવામાં આવી છે. પણ હવે પક્ષીઓ સવારના સમયે રનવે નજીક જોવા મળતા હોય છે. પક્ષીઓને હટાવવા માટે ખાસ સ્ટાફ ફરજ બજાવતો હોય છે. દરમિયાન રન-વેથી આગળ નરોડા તરફની બાઉન્ડ્રી વોલથી 400 ફૂટ પરથી એક પક્ષીઓનું ઝુંડ ઉડીને રન-વે તરફ ઘસી આવ્યું હતું. જ્યાં ઘાસ હતું ત્યાં આવીને બેઠા હતા, આજ સમયે ઇન્ડિગોની એક ફલાઈટ ટેકઓફ માટે તૈયાર હતી પરંતુ પક્ષીઓના ટોળા હોવાથી બર્ડહિટ ન થાય માટે પાંચ મિનિટ ઉભી રાખવી પડી હતી. ગો ફર્સ્ટની લેન્ડ થનારી એક ફલાઈટ ફાઈનલ એપ્રોચ કરે તે પહેલા જ એટીસીએ હોલ્ટનો મેસેજ આપી લેન્ડિંગ માટે ક્લિયરન્સ આપ્યું ન હતું, રન-વે પર પક્ષીઓના ટોળા હોવાથી બર્ડહિટ થવાનું જોખમ હતું. રન-વે પર ફટાકડા ફોડ્યા તેમજ ટીમોને દોડાવી પક્ષીઓને હટાવ્યા હતા. જેના કારણે અન્ય એક ચાર્ટર્ડ ફલાઈટના પણ ટેકઓફમાં 10 મિનિટનો વિલંબ થયો હતો. આમ એરપોર્ટ પર બર્ડહિટ પર અંકુશ લાવવામાં તંત્રની કામગીરી નિષ્ફળ સાબિત થઈ છે.