Site icon Revoi.in

અમદાવાદમાં ભંગારના ત્રણ વેપારીઓને ત્યાં SGSTના દરોડા, 7 કરોડની ITC છેતરપિંડી પકડાઈ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં જીએસટીની આવકનો ટાર્ગેટ પુરો કરવા માટે કરચોરો સામે સર્ચ અભિયાન ચાલી રહ્યું છે. બીજીબાજુ બોગસ પેઢીઓને શોધવાની ઝૂંબેશ આદરવામાં આવી રહી છે. દરમિયાન અમદાવાદમાં ભંગારના વેપારીઓ મોટા પ્રમાણમાં કરચોરી કરતા હોવાની બાતમી મળતા એસજીએસટીના અધિકારીઓએ સર્ચ હાથ ધર્યું હતું. અને ગેરરીતિ પકડાતા સીજીએસટી અમદાવાદ કમિશનરેટની પ્રિવેન્ટિવ વિંગે ભંગારના બે વેપારીની મંગળવારે ધરપકડ કરી હતી. તેમની પાસેથી મળેલી માહિતીના આધારે બુધવારે જીએસટીએ ભંગારના વધુ 3 વેપારી પર દરોડા પાડ્યા હતા. અને 7 કરોડની આઈટીસીની છેતરપિંડી પકડી પાડવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં ભંગારના વેપારીઓ લાખો રૂપિયાનું ટર્ન ઓવર કરતા હોવા છતાં બીલ વગરના માલના માલની હેરાફેરી કરીને ટેક્સની ચોરી કરતા હોવાની માહિતી મળતા એસજીએસટીના અધિકારીઓએ ભંગારના કેટલાક વેપારીઓને ત્યાં દરોડા પાડીને સર્ચ કર્યું છે. આ ભંગારના વેપારીઓ પાસેથી કરોડો રૂપિયાની કરચોરી પકડાવાની શક્યતા છે. સીજીએસટીની અલગ અલગ ટીમે 5 જગ્યાએ એક સાથે દરોડા પાડ્યા હતા. એક વેપીરૂ પેઢી સામે 8 બિન-અસ્તિત્વ ધરાવતી કંપનીમાંથી બનાવેલા રૂ. 40 કરોડના ઈન્વોઈસના આધારે માલ-સામાનની વાસ્તવિક રસીદ વિના રૂ. 7 કરોડની આઇટીસીની છેતરપિંડી સામે આવી હતી. આ લોકો પાસેથી જે પેઢીઓને બીલ લીધા હતા તે તમામ પેઢીઓ હાલ રડારમાં છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરના અમરાઇવાડીના કનિશ્કા એપાર્ટમેન્ટમાં રહેતા 46 વર્ષના જયસુખ મોડાસિયા અને 39 વર્ષના જીજ્ઞેશ પટેલની ધરપકડ કરાઈ હતી. ડિપાર્ટમેન્ટને તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ લોકોએ બોગસ ચલણ બનાવીને માલની હેરફેર માટે ટ્રાન્સપોર્ટના 18 વાહનોના નંબરના આધારે બોગસ ઇ-વે બિલ બનાવ્યા હતા. જેના આધારે તેમણે ટૂંકા ગાળામાં  40 કરોડના ટ્રાન્ઝેક્શન કરી નાખ્યા હતા. કરેલા ટ્રાન્ઝેક્શન ડિપાર્ટમેન્ટના પોર્ટલમાં રિફલેકટ થતાં તેની તપાસ હાથ ધરાઈ હતી. જેના આધારે તે કરદાતાના કૌભાંડ બહાર આવ્યું હતું. જયસુખ અને જિજ્ઞેશે જે પેઢીઓને બોગસ બિલો આપ્યા છે તેવી 57થી વધુ પાર્ટીને ત્યાં તપાસ શરૂ કરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.