ગાંધીનગરઃ કલોલમાં આવેલી એક ખાનગી કેમિકલ કંપનીમાં ઝેરી ગેસ ગળતર થતાં કંપનીની નજીકમાં આવેલા ગુરૂકુળની ત્રણ વિદ્યાર્થિનીઓને શ્વાસ લેવામાં તકલીફ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. કંપનીની બેદરકારી સામે ગુરૂકુળના વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો, ફાયરબ્રિગેડ તેમજ કલોલના ધારાસભ્ય ઘટના સ્થળે દોડી ગયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ કલોલ જીઆઇડીસીમાં આવેલી એક કેમિકલ કંપનીમાં મોડી રાત્રે ગેસ લીકેજ થયો હતો. જોકે શરૂઆતમમાં કોઇને ખ્યાલ આવ્યો ન હતો, પરંતુ ગેસ લીકેઝનું પ્રમાણ વધી જતાં આસપાસમાં રહેતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. આ બનાવમાં સૌથી વધુ તિવ્ર અસર કેમિકલ કંપનીની પાસે આવેલા ગુરુકુળની વિદ્યાર્થિનીઓને થઈ હતી. ગેસ ગળતરને કારણે શ્વાસ લેવામાં તકલીફ થતાં કેટલીક વિદ્યાર્થિનીઓને ગુંગળામણ થવા લાગી હતી. જેમાં ત્રણ વિદ્યાર્થિનીઓને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. ઘટનાના પગલે જીઆઇડીસી આસપાસના વિસ્તારોમાં ભારે દોડધામનો માહોલ સર્જાયો હતો. કલોલ શહેરની જી.આઇ.ડી.સીમાં ગેસ ગળતરના પ્રશ્નો વારંવાર સર્જાતો હોવાના કારણે લોકો ત્રાહિમામ પોકીર ગયા છે. જેની ફરિયાદ કરતી અરજીઓ અનેક વખત સ્થાનિક રહીશો દ્વારા તંત્રને આપવામાં આવી છે. જોકે તંત્ર દ્વારા તેની ગંભીર નોંધ લીધી નથી, ત્યારે કોઈ ગંભીર ઘટના સર્જાય તે પહેલાં તંત્ર અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડ જાગે તે જરૂરી છે. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો, ફાયરબ્રિગેડ તેમજ કલોલના ધારાસભ્ય ઘટના સ્થળે દોડી ગયા હતા.પોલીસે જીઆઈડીસી વિસ્તારમાં કેમિકલ કંપનીમાં પણ તપાસ કરી હતી. (file photo)