જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોએ પુલવામાના ત્રાલમાં એક અથડામણમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. સુરક્ષાદળોએ આ આતંકીઓની લાશો પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો અને વિસ્ફોટકોને જપ્ત કર્યા છે. જણાવવામાં આવે છે કે માર્યા ગયેલા ત્રણ આતંકીઓમાં પુલવામા એટેકનો માસ્ટરમાઈન્ડ આતંકી મુદાસીર પણ સામેલ છે. હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.
પુલવામા હુમલાના એક માસ્ટરમાઈન્ડના ઠાર થવાના અહેવાલ
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 14મી ફેબ્રુઆરીએ
સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલાનું ષડયંત્ર રચનારા આતંકવાદી સંદર્ભે માનવામાં આવે
છેકે તે દક્ષિણી કાશ્મીરના ત્રાલમાં થયેલી અથડામણમાં ઠાર થયો છે. અધિકારીઓએ
સોમવારે આના સંદર્ભે જાણકારી આપી છે. અધિકારીઓનું કહેવું છે કે પુલવામા જિલ્લાના
ત્રાલના પિંગલિશ વિસ્તારમાં રવિવારે રાત્રે થયેલી અથડામણ દરમિયાન જૈશ-એ-મોહમ્મદનો
આતંકવાદી મુદાસિર અહમદ ઉર્ફે મોહમ્મદ ભાઈ ઠાર થયો છે. તેના સિવાય અન્ય બે આતંકીઓને
પણ સેનાએ ઠાર માર્યા છે. જણાવવામાં આવે છે કે આ ત્રણેય આતંકવાદોની લાશો ખરાબ રીતે
બળી ગઈ છે. જેના કારણે તેમની ઓળખ થઈ શકી નથી. જો કે તેમની ઓળખની કોશિશો ચાલુ છે.
ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ પર ઘેરાબંધી
પિંગલિશ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીના ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ બાદ સુરક્ષાદળોએ ક્ષેત્રની ઘેરાબંધી કરીને તલાશી અભિયાન શરૂ કર્યું હતું. અધિકારીઓએ રવિવારે જણાવ્યુ હતુ કે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ખાનની ઓળખ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર હુમલો કરવાના ષડયંત્રકારી તરીકે થઈ હતી. આ હુમલામાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા હતા. આ હુમલાની તપસમાં અત્યાર સુધીમાં એકઠા કરવામાં આવેલા પુરાવા પ્રમાણે, સુરક્ષાદળોએ જણાવ્યુ કે 23 વર્ષીય ખાન વ્યવસાયે ઈલેક્ટ્રિશયન હતો અને સ્નાતક સુધીનો અભ્યાસ પણ કર્યો હતો. તે પુલવામાનો વતની હતો અને તેણે જ આતંકવાદી હુમલામાં વાપરવામાં આવેલા વાહન તથા વિસ્ફોટકની વ્યવસ્થા કરી હતી.
આદિલ અહમદ ડારના સંપર્કમાં હતો આતંકી
ત્રાલના મીર મોહલ્લાનો વતની ખાન 2017માં જૈશ-એ-મોહમ્મદમાં જોડાયો હતો અને બાદમાં નૂર મોહમ્મદ તંત્રે ઉર્ફે નૂર ત્રાલીએ તેને આતંકી જૂથમાં સામેલ કર્યો હતો. નૂર ત્રાલી સંદર્ભે માનવામાં આવે છે કે તેની કાશ્મીર ખીણમાં આતંકી સંગઠનોને પુનર્જીવિત કરવામાં મહત્વની ભૂમિકા રહેલી છે. ત્રાલીના 2017માં ઠાર થયા બાદ ખાન પોતાના ઘરેથી 14 જાન્યુઆરી-2018થી ગાયબ થઈ ગયો અને તે ત્યારથી આતંકવાદી તરીકે સક્રિય હતો. અધિકારીઓનું કહેવું છ કે 14મી ફેબ્રુઆરીએ પુલવામામાં વિસ્ફોટકથી ભરેલી કાર દ્વારા સીઆરપીએફની બસમાં ટક્કર મારનારો આત્મઘાતી હુમલાખોર આદિલ અહમદ ડાર સતત ખાનના સંપર્કમાં હતો.
માર્યો ગયેલો આતંકી હતો ઈલેક્ટ્રિશયન
ખાન ગ્રેજ્યુયેટ થયા બાદ એક ઔદ્યોગિક પ્રશિક્ષણ સંસ્થામાંથી એક વર્ષનો ડિપ્લોમા કરીને ઈલેક્ટ્રિશયન બન્યો હતો. તે અહીંના એક શ્રમિકનો સૌથી મોટો પુત્ર હતો. માનવામાં આવે છે કે ફેબ્રુઆરી-2018માં સુંજાવાનની સૈન્ય છાવણી પર થયેલા આતંકી હુમલામાં પણ તે સામેલ હતો. આ હુમલામાં છ જવાનો શહીદ થયા હતા અને એક નાગરીકનું પણ મોત નીપજ્યું હતું.
આતંકી ઘટનાઓમાં હતી સંડોવણી
સીઆરપીએફની શિબિર પર લેથોપોરામાં જાન્યુઆરી-2018માં થયેલા હુમલા બાદ ખાનની ભૂમિકા સુરક્ષાદળોના નજરમાં સામે આવી હતી. આ હુમલામાં સીઆરપીએફના પાંચ જવાનો શહીદ થયા હતા. પુલવામા હુમલાની તપાસ કરી રહેલી એનઆઈએએ ખાનના ઘર પર 27મી ફેબ્રુઆરીઓ દરોડાની કાર્યવાહી કરી હતી. પુલવામા આતંકી હુમલામાં વાપરવામાં આવેલી મારુતી ઈકો મિનિવાનને જૈશ-એ-મોહમ્મદ માટે કરનારા એક વ્યક્તિએ દશ દિવસ પહેલા ખરીદી હતી. આ વ્યક્તિની ઓળખ સજ્જાદ ભટ્ટ તરીકે થઈ છે. આ વ્યક્તિ દક્ષિણ કાશ્મીરના બિજબેહરાનો વતની છે અને હુમલા બાદથી તે ફરાર છે. એવું માનવામાં આવે છે કે તે હવે સક્રિય આતંકવાદી બની ગયો છે.