અમદાવાદઃ ડુંગરપુરથી ઉદયપુર સુધીની બ્રોડગેજ રેલવે ટ્રેક માટે CRS તરફથી પરવાનગી મળ્યા બાદ હવે ત્રણ નવી ટ્રેનો દોડાવાની લીલી ઝંડી મળી ગઈ છે. રેલવે બોર્ડની બેઠકમાં આ ટ્રેક પર ત્રણ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડની બેઠકમાં ઉદયપુરથી અમદાવાદ વચ્ચે બે ટ્રેનો અને જયપુરથી અમદાવાદ વચ્ચે એક ટ્રેન દોડાવવાનો નિર્ણય કરાયો છે. આ ત્રણેય ટ્રેનોને હિંમતનગર, ડુંગરપુર સ્ટેશન પર સ્ટોપેજ અપાયું છે. આ ટ્રેનોન 19 ઓક્ટોબરથી શરૂ થાય એવી શક્યતા છે. જોકે બોર્ડની બેઠકમાં આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્રણેય ટ્રેનો શરૂ થયા બાદ ડુંગરપુરથી અમદાવાદ અને જયપુરની મુસાફરી સરળ બનશે.
ઉત્તર પશ્ચિમ રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉદયપુરથી અમદાવાદ વચ્ચે બે ટ્રેન દોડશે. જ્યારે એક ટ્રેન જયપુરથી અમદાવાદ વચ્ચે દોડશે. આ સાથે ડુંગરપુર જિલ્લો પ્રથમ વખત ઉદયપુર, જયપુર અને અમદાવાદ સાથે રેલ કનેક્ટિવિટી દ્વારા જોડાશે. આનો સૌથી મોટો ફાયદો રોજગાર અને કામ માટે આવતા-જતા લોકોને મળશે. આ ટ્રેનો 19 ઓક્ટોબરથી જ દોડાવવામાં આવે તેવી શક્યતા છે, જોકે હજુ સુધી કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ એવું કહેવાય છે. કે, આ ટ્રેન ઉદયપુરથી સવારે 5.30 વાગ્યે ઉપડશે અને સવારે 10.55 વાગ્યે અમદાવાદ પહોંચશે. જ્યારે આ ટ્રેન અમદાવાદથી બપોરે 2.30 વાગ્યે ઉપડશે અને રાત્રે 8 વાગ્યે ઉદયપુર પહોંચશે. આ ટ્રેનને ઉમરા, જાવર, જેસમંદ રોડ, સેમરી, ઋષભદેવ રોડ, ડુંગરપુર, બિછીવાડા, શામળાજી રોડ, હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, નાંદોલ, દહેગામ, નરોડા અને સરદારગ્રામ સ્ટેશનો પર સ્ટોપેજ અપાયુ છે. બીજી ટ્રેન ઉદયપુરથી સાંજે 5 વાગ્યે ઉપડશે અને અમદાવાદ રાત્રે 11 વાગ્યે પહોંચશે. વળતી દિશામાં આ ટ્રેન બીજા દિવસે સવારે 6.30 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને બપોરે 12.30 વાગ્યે ઉદયપુર પહોંચશે. આ ટ્રેન ઉમરા, જાવર, જેસમંદ રોડ, સેમરી, ઋષભદેવ રોડ, ડુંગરપુર, બિછીવાડા, શામળાજી રોડ, હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, નાંદોલ, દહેગામ, નરોડા અને સરદારગ્રામ સ્ટેશન પર ઉભી રહેશે. આ ઉપરાંત ત્રીજી ટ્રેન જયપુરથી સાંજે 7.35 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 8.45 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ જ ટ્રેન અમદાવાદ સાંજે 6.45 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 7.45 વાગ્યે જયપુર પહોંચશે. આ સમય દરમિયાન ટ્રેન ફૂલેરા જંક્શન, કિશનગઢ, અજમેર, નસીરાબાદ, ભીલવાડા, ચંદેરિયા, માવલી જંક્શન, રાણા પ્રતાપ નગર, ઉદયપુર, જાવર, ડુંગરપુર, શામળાજી રોડ, હિંમતનગર, નાંદોલ, દહેગામ અને સરદારગ્રામ સ્ટેશનો પર ઉભી રહેશે.