અમદાવાદના બોપલમાં સેફ્ટી વિના ડ્રેનેજમાં ઉતરેલા ત્રણ કામદારોના ગૂંગળામણને કારણે મોત
અમદાવાદઃ શહેરના બોપલ વિસ્તારમાં ઔડા દ્વારા ડ્રેનેજ લાઈનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન એક મજૂર ડ્રેનેજની અંદર સફાઈ માટે ઉતર્યો હતો. થોડીવારમાં ગૂંગળામણને કારણે બેભાન થઈ જતાં તેમને બચાવવા માટે અન્ય બે મજૂરો ડ્રેનેજમાં ઉતર્યા હતાં. આ ત્રણેય મજૂરો ડ્રેનેજમાં ફસાઈ જતાં તેમને બહાર કાઢવા માટે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગના જવાનોએ બે મજૂરોને બહાર કાઢ્યાં હતાં. જયારે એકની શોધ ખોળ શરૂ કરી હતી. આ બંને મજૂરોની હાલત ગંભીર હોવાથી તેમને સોલા સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતાં. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. અન્ય એક મજુરનું પણ શોધખોળ દરમિયાન મોત નીપજ્યું હતું. બોપલ પોલીસે આ ઘટનામાં પેટા કોન્ટ્રાક્ટર હિંમતભાઈની ધરપકડ કરી હતી.
ફાયર વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના બોપલ વિસ્તારમાં નિલકંઠ વિલા પાસે કોઈપણ સેફ્ટી સાઘન વિના ગટરમાં ઉતરેલા ત્રણ સફાઈ કામદારોના ગેસના ગુંગળામણથી મોત નિપજ્યા હતા. આ બનાવની વિગત એવી જાણવા મળી છે કે, બોપલ વિસ્તારમાં ઔડા દ્વારા ડ્રેનજ લાઈનની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી દરમિયાન પાઈપલાઈનનું ફિટીંગ અને સફાઈ કામ થતું હતું. આ દરમિયાન વાલ્વ ખોલીને લાઈન ચાલુ કરવાની હતી અને પાઈપમાં કચરો ભરાઈ ગયો હતો. જેથી ભરતભાઈ નામનો મજુર ડ્રેનેજમાં ઉતર્યો હતો. ડ્રેનેજમાં ઉતર્યા બાદ થોડી વારમાં ગૂંગળામણને કારણે રાજુભાઈ અને સંદિપભાઈ તેમને બચાવવા માટે ડ્રેનેજમાં ઉતર્યા હતાં. પરંતું ત્રણેય જણા ડ્રેનેજમાં ઉતરતાં પાઈપલાઈનમાં દટાઈ ગયા હોવાની માહિતી મળી હતી. આ દરમિયાન ફાયર વિભાગ અને પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી.
ફાયર વિભાગના કર્મચારીઓએ ઘટના સ્થળે પહોંચીને ડ્રેનેજમાં દટાયેલા મજૂરોને દોરડાથી બહાર કાઢવાની જહેમત ઉઠાવી હતી. ફાયરના જવાનોએ બે મજૂરોને પાઈપલાઈનમાંથી બહાર કાઢ્યા હતાં. પરંતુ ત્રીજાની ભાળ નહીં મળતાં તેની શોધખોળ શરૂ કરી હતી. ફાયરના જવાનોએ ડ્રેનેજના પોઈન્ટ પાસે ખોદકામ કરીને ત્રીજા મજૂરને શોધવાના પ્રયાસો શરૂ કર્યાં હતાં. બહાર કાઢવામાં આવેલા બે મજૂરોને તાત્કાલિક અસરથી સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ ઘટનાને લઈને કાર્યવાહી શરૂ કરી હતી. બોપલ પોલીસે આ ઘટનામાં પેટા કોન્ટ્રાક્ટર હિંમતભાઈની અટકાયત કરી હતી.