વડોદરાઃ ગુજરાતમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વડોદરા-હાલોલ હાઈવે પર કોટંબી પાસે ગત રાત્રે એસટી બસે બાઈકને ટક્કર મારતા બાઇકસવાર બે સગા ભાઈ સહિત 3 યુવાનનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. ઘટનાની જાણ થતાં જરોદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ત્રણેય યુવાનના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જરોદ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવની એવી વિગતો જાણવા મળી છે. કે, અમરેશ્વપુરા ગામના ત્રણ યુવાન રાત્રે 8.15 વાગ્યે જરોદથી અમરેશ્વર પુરા ગામ તરફ જઈ રહ્યા હતા. આ સમયે તેઓ વડોદરા-હાલોલ રોડ પર કોટંબી ચોકડી પાસેથી તેઓ પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ સમયે ગાંધીનગરથી પાવાગઢ તરફ (GJ-18-Z-4692)નંબરની એસટી બસ જઈ રહી હતી. આ એસટી બસે ત્રણ બાઇકસવારોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં અમરેશ્વરપુરા ગામના બે સગા ભાઇ રોશન નટુ વસાવા, રવિ નટુ વસાવા અને રાજેશ નાયક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને ત્રણેયનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. આ અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. અકસ્માત બાદ હાઇવે પર લોહીનાં ખાબોચિયાં ભરાઈ ગયાં હતાં. ટ્રકને ઓવરટેક કરવા જતાં બાઈક બસ સાથે અથડાતા અકસ્માત થયો હતો. આ ઘટનાને પગલે આસપાસના લોકોનાં ટોળાં પણ એકત્ર થઈ ગયાં હતાં. ત્રણ યુવાનનાં મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનો પણ સ્થળ પર દોડી ગયા હતા અને તેમના આક્રંદે વાતાવરણને ગમગીન બનાવી દીધું હતું. બે સગા ભાઈનાં મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
આ ઘટનાની જાણ થતાં જ જરોદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી. ત્રણેય યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. જરોદ પોલીસ સ્ટેશનના પીઆઇ એલ.બી તડવીએ જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં જ અમે સ્થળ પર પહોંચી ગયા હતા અને આ મામલે તપાસ શરૂ કરી છે. આ અકસ્માતમાં બે સગા ભાઈ સહિત 3 યુવાનનાં મોત થયાં છે.