- ભાવનગરથી 3 યુવાનો કારમાં સુરત જઈ રહ્યા હતા,
- કારના ચાલકને ઝોકું આવતા કાર ઝાડ સાથે અથડાઈ,
- પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
ભરૂચઃ ગુજરાતમાં રોડ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ હાંસોટના શેરા ગામ નજીક હાઈવે પર સર્જાયો હતો. ભાવનગરથી ત્રણ યુવાનો કાર લઈને સુરત જવા નિકળ્યા હતા. ત્યારે આજે વહેલી પરોઢે કારચાલકને ઝોકું આવતા પૂરફાટ ઝડપે જતી કાર ઝાડ સાથે અથડાતા બે યુવાનોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે એક યુવાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા. હાંસોટ તાલુકાના શેરા ગામ નજીકથી પૂરઝડપે પસાર થઈ રહેલી કાર ધડાકાભેર વૃક્ષ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડાયો હતો. જોકે સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગરના 3 યુવાનો કારમાં વહેલી સવારે સુરત જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. બનાવની જાણ થતાની સાથે જ હાંસોટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. વહેલી સવારના સમયે કારચાલકને ઝોકું આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે બનાવની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. મૃતકના નામ મહાવીર પ્રદીપભાઈ અગ્રવાત (ઉ.20, અર્બન સોસાયટી, ભરતનગર ભાવનગર) અને મિતેષ ચાવડા (ઉ.20, ભરતનગર, ભાવનગર) હોવાનું જાણવા મળ્યુ છે. જ્યારે મૃતક ત્રીજા યુવાનું નામ હજુ જાણવા મળ્યું નથી. ત્રણેય યુવાનો 22-25 વર્ષની ઉંમરના હોવાનું માનવામાં આવે છે. અકસ્માતની જાણ થતાં જ મૃતકોનો પરિવાર ભાવનગરથી ભરૂચ આવવા નીકળ્યો છે.