મોરબીઃ જિલ્લાના હળવદના રણજીતગઢ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં નાહવા પડેલા ત્રણ પરપ્રાંતીય શ્રમિકો પૈકીના બે યુવાનોના ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યાં હતા અને તંત્ર દ્વારા બન્ને યુવાનોના મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યારે એક લાપતા શ્રમિક યુવાનના મૃતદેહની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ હળવદના રણજીતગઢ નજીક આવેલી એક કંપનીમાં કલરકામ કરતા અને મૂળ બનાસકાંઠા પંથકના કેવા સવસીભાઈ, મેન્દાભાઈ અને અલ્પેશભાઈ નામના ત્રણેય યુવાનો નર્મદા કેનાલમાં નાહવા પડયા બાદ ડૂબી ગયા હતા. દરમિયાન ત્રણેય યુવાનો સાંજ સુધી પરત નહીં ફરતા અને કેનાલકાંઠેથી મોબાઈલ, કપડા, ચંપલ સહિતની ચીજ વસ્તુઓ મળી આવતા અન્ય મજૂરોએ શોધખોળ શરૂ કરી હતી. આ બનાવ અંગેની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને ભારે જહેમતના અંતે બે યુવાનોના મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા અને લાપતા બનેલા એક યુવાનની શોધખોળ શરૂ કરી હતી.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે. તંત્ર દ્વારા નર્મદા કેનાલમાં નહાવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. છતાં ઘણા લોકો નર્મદા કેનાલમાં નહાવા માટે પડતા હોય છે. નર્મદા કેનાલમાં ડુબી ગયેલા શ્રમિકો રણજીતગઢ પાસે એક કંપનીમાં કલર કામ કરતા હતા. કામ પૂર્ણ કરીને ત્રણેય યુવાનો નર્મદા કેનાલ પર ગયા હતા. અને થાક ઉતારવા માટે કેનાલમાં નહાવા માટે પડ્યા હતા. અને જોતજોતામાં પાણીના વહેણમાં તણાવા લાગ્યા હતા. ત્રણેય શ્રમિક યુવાનો પરત ન ફરતા તેમના સાથી મિત્રોને તેમને શોધવા માટે નિકળ્યા હતા. દરમિયાન કેનાલના કાંઠે યુવાનોના કપડા અને ચપ્પલ જોતા ડુબી ગયા હોવાનું માનીને ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ કેનાલ પર પહોંચીને શોધખોળ કરતા બે યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે એક યુવાનનો હજુ કોઈ પત્તો મળ્યો નથી.