Site icon Revoi.in

લખતરના કડુ ગામ પાસે હાઈવે પર વહેલી પરોઢે ટ્રક પાછળ બાઈક અથડાતા ત્રણ યુવાનોના મોત

Social Share

વઢવાણઃ સુરેન્દ્રનગર-વિરમગામ હાઇવે પર લખતરના કડુ ગામ પાસે વહેલી પરોઢે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક પર સવાર ત્રણ યુવાનોના મોત નિપજ્યા હતા. અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ત્રણેય યુવકના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે લખતર હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે,  લખતરના કડુ ગામના એક યુવાનને તાવ આવતો હતો. જે યુવાનની તબીયત ગતરાત્રે વધારે લથડતાં અન્ય બે યુવાનો વહેલી પરોઢે ચાર વાગ્યાના અરસામાં તેને હોસ્પિટલ લઇ જવા બાઇક લઇને નીકળ્યા હતા. યુવકને સારવાર અર્થે લઇને નીકળેલા બંને મિત્રોને ક્યાં ખબર હતી કે આગળ મોત ઊભું છે. તેમ ગામથી થોડે આગળ જતાં જ હાઇવેની સાઇડમાં ઊભેલી એક બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી ગયું હતું. બાઇક ટ્રકની પાછળ ઘૂસતાં જ ત્રણેય યુવાનોના ઘટના સ્થળે જ મોત થયા હતા. ઘટનાની જાણ સ્થાનિકોને થતાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. સ્થાનિકોએ પોલીસ અને 108ને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે એમ્બ્યુલન્સ વાનમાં ત્રણેય યુવકોના મૃતદેહોને પી.એમ અર્થે લખતરની સરકારી હોસ્પિટલમાં ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાની નાના એવા કડુ ગામમાં શોકની લાગણી ફેલાઇ છે.

રાજ્યમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. હાઈવે પર રાત્રે પાર્ક કરેલી ટ્રકો કે મોટા વાહનો પાછળ લાઈટ ન હોવાથી પાછળ આવતા વાહનચાલકને નજીક આવે ત્યારે વાહન ઊભું હોવાની જાણ થાય છે. અને પાર્ક કરેલા વાહન સાથે અકસ્માત સર્જાતો હોય છે. પોલીસે રાત્રે પેટ્રોલિંગ દરમિયાન વાહન પાછળ લાઈટ ન હોય તેવા વાહનચાલકો સામે પગલા લેવા જોઈએ તેવી માગ ઊઠી છે.