- ફોર્ચ્યુનર કારે બાઈકને ટક્કર માર્યા બાદ બાઈકસવારો 200 મીટર ધસડાયા,
- કારમાં નંબર પ્લેટ્સ લગાવેલી નહતી, પણ કારમાંથી 3 નંબરપ્લેટ્સ મળી,
- બાઈકસવાર યુવાનો ગરબા જોઈને પરત ફરતા અકસ્માતનો ભોગ બન્યા
પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધાતો જાય છે. અકસ્માતનો વધુ એક બનાવ જિલ્લાના ધાનેરા નજીક ઉમેદપુરાના પાટિયા પાસે સર્જાયો હતો, રાતના સમયે ફોર્ચ્યુનર કારના ચાલકે બાઈકને ટક્કર મારતા ત્રણ યુવકોના મોત નીપજ્યા હતા, જ્યારે એક યુવક ઘાયલ થતા સારવાર માટે ખસેડાયો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, ફોર્ચ્યુનર કારના આગળના ભાગ અને મોટરસાઇકલના ફૂરચા નીકળી ગયા હતા. અકસ્માતગ્રસ્ત કારમાં નંબર પ્લેટ લગાવેલી ન હતી. પરંતુ, કારની અંદરથી એક જ નંબરની ત્રણ નંબરપ્લેટ મળતા સવાલો ઊઠ્યા છે. પોલીસ દ્વારા હાલ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
બનાસકાંઠાના ધાનેરાના ખીમત નજીક ગઈ મોડી રાત્રે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ઉપર સવાર ચાર યુવાનોમાંથી મહીપતસિંગ વાઘેલા,પંકજસિંગ વાઘેલા, યોગેન્દ્રસિંગ વાઘેલાનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા છે. જ્યારે મહાવીરસિંહ વાઘેલાને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. અકસ્માત સર્જીને કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ઘાડા ગામના મહીપતસિંગ વાઘેલા, પંકજસિંગ વાઘેલા, યોગેન્દ્રસિંગ વાઘેલા અને મહાવીરસિંગ વાઘેલા નામના યુવકો પોતાની મોટરસાઇકલ લઈને ધાનેરાના ખીમંત ગામે ગરબા જોવા માટે ગયા હતા. ચારેય મિત્રો રાત્રિના સાડા અગિયાર વાગ્યાના અરસામાં ગરબા જોઈને પરત પોતાના ગામ ધાડા જઈ રહ્યા હતા ત્યારે ખીમંત ગામના ઉમેદપુરાના પાટિયા પાસે સામેથી આવી રહેલી ફોર્ચ્યુનર કારના ચાલકે ટક્કર મારતા રસ્તા પર મરણચીસો ગુંજી ઊઠી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે અન્ય એક ઘાયલ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
સ્થાનિક લોકોના કહેવા મુજબ પૂરપાટ ઝડપે કાર ચલાવી રહેલા ફોર્ચ્યુનરના ચાલકે મોટરસાઇકલને અડફેટે લઈને 200 મીટર સુધી ઢસડ્યું હતું. મોટરસાઇકલ પર સવાર મહાવીરસિંગ નામનો યુવક ફેંકાઈ ગયો હતો. જ્યારે અન્ય ત્રણ યુવકો મોટરસાઇકલ સાથે જ ઢસડાયા હતા અને લોહીલુહાણ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતાં. ધાનેરાના ખીમંત પાસે અકસ્માત સર્જનાર ફોર્ચ્યુનર કારમાં બે લોકો સવાર હોવાનું અને અકસ્માત બાદ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા આ અકસ્માતના જે વીડિયો વાઈરલ થયા છે તેમાં એક વીડિયોમાં ફોર્ય્યુનર કારમાં દારૂની બોટલ પડી હોવાનું પણ જોવા મળી રહ્યું છે. જો કે, પોલીસ દ્વારા આ મામલે ફરિયાદમાં કોઈ ઉલ્લેખ કરાયો નથી. ફોર્ચ્યુનર કારમાં એકપણ નંબર પ્લેટ લાગેલી ન હતી. પરંતુ, કારની અંદરથી GJ10 CN 5355 નંબરની કુલ ત્રણ નંબર પ્લેટ મળી આવી હતી.