Site icon Revoi.in

વેરાવળ નજીક જંગલમાં રાત્રે ગેરકાયદે સિંહ દર્શનના ઈરાદે ગયેલા ત્રણ યુવાનો પકડાયા,

Social Share

વેરાવળઃ ગીર જંગલ તેમજ તુલસીશ્યામ ફોરેસ્ટ વિસ્તાર અને  વેરાવળના મંડોર વીડી વિસ્તારમાં સિંહ દર્શનની લાલચે લોકો જંગલના પ્રતિબંધિત વિસ્તારોમાં ઘૂંસી જતા હોય છે. ત્યારે વેરાવળ નજીક જંગલના પ્રતિબંધિત વિસ્તારમાં રાતના સમયે ત્રણ યુવાનો સિંહ દર્શન માટે જંગલમાં પ્રવેશ કર્યો હતો. વન વિભાગના કર્મચારીઓએ ત્રણેય યુવાનોને પકડીને અઢી લાખનો દંડ ફટકારી કડક કાર્યવાહી કરી છે.

વેરાવળ નજીકના જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર સિંહ દર્શનના ઇરાદે પ્રવેશેલા ત્રણ યુવકોને વન વિભાગએ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે વેરાવળ વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, વેરાવળ નજીકના પંડવા મંડોર વિડી વિસ્તાર કે જે પ્રતિબંધિત જંગલ વિસ્તાર છે. આ જંગલ વિસ્તારમાં તારીખ 21ની રાત્રિના અમુક ઈસમો ગેરકાયદેસર સિંહ દર્શનના ઇરાદે પ્રવેશ કર્યા હતા અને જેની જાણ પેટ્રોલિંગમાં રહેલ વન વિભાગના સ્ટાફને સ્થાનિકો દ્વારા કરવામાં આવતા વન વિભાગનો સ્ટાફ તુરંત ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં વન વિભાગની ટીમને જોઈ ત્રણે ઈસમો ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા.

વન વિભાગ દ્વારા ઘટના સ્થળેથી આ યુવકોની ત્રણ બાઈક કબજે લેવામાં આવી હતી અને બાદમાં સિંહ દર્શનના ઇરાદે જંગલમાં ગેરકાયદેસર પ્રવેશેલા આ ત્રણેય ઈસમો વેરાવળ વન વિભાગ સમક્ષ હાજર થતા ત્રણેય વેરાવળના બહાર કોટ વિસ્તારમાં રહેતા કાકાસીયા અબદુલાહ અંજુમ ઉં.વ 21, કાપડિયા અંબાર સોયબ ઉં.વ 17, અને પંજા અબ્દુલ્લા આરીફ ઉં.વ 17 હોવાનું સામે આવ્યું હતું.  આ ત્રણેય યુવકોને રાઉન્ડ અપ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી અને તપાસના અંતે ત્રણેય ઈસમોને ગેરકાયદેસર જંગલમાં પ્રવેશ કરવો અને ગેરકાયદે સિંહ દર્શનના ઇરાદા સબબ અઢી લાખનો દંડ ફટકારી ધોરણેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.