નવી દિલ્હીઃ રાજસ્થાનમાં પોલીસ કોન્સ્ટેબલની ભરતીની પરીક્ષા આપવા નીકળેલા ત્રણ મિત્રોનું ટ્રેનની અડફેટે મોત થયું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે તમામ મૃતદેહ ક્ષતવિક્ષત થઈ ગયા હતા, આ ઘટના બાદ સમગ્ર સ્ટેશનમાં અફરા-તફરી મચી ગઈ હતી. અલવરના રાજગઢ સ્ટેશન વિસ્તારમાં આ દૂર્ઘટના સર્જાઈ હતી.
પોલીસે જણાવ્યું હતું કે રાજગઢ રેલ્વે સ્ટેશન પર ત્રણ પરીક્ષાર્થીઓ ડબલ ડેકર ટ્રેન સાથે અથડાયા હતા. ત્રણેયના ઘટના સ્થળે જ મોત થયા હતા. ત્રણેય રાજગઢથી જયપુર જવા સ્ટેશન પર પહોંચ્યા હતા. જંકશન પર ભીડ ભારે હતી. દરમિયાન પેસેન્જર ટ્રેનની અડફેટે આવી ગયા હતા. ટ્રેન આવતી હોવાની પ્લેટફોર્મ ઉપર ઉભેલા જાણ કરીને બુમાબુમ કરી હતી. જો કે, ત્રણેય યુવાનોએ કાનમાં ઈયરફોન લગાવેલા હતા. તેમજ ત્રણેય યુવાનો પોતાની ધુનમાં વ્યસ્ત હોવાનું લોકોએ જણાવ્યું હતું.
ત્રણેય યુવાનોને ટ્રેને અડફેટે લેતા તેમના મોત થયાં હતા. ત્રણેય મૃતદેહ ક્ષતવિક્ષત થઈ ગયા હતા આ બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ ત્રણેય મૃતદેહના અવશેષો એકત્ર કરીને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપી હતી. પોલીસે ત્રણેય મૃતકોની ઓળખ મેળવવાની કવાયત શરૂ કરવામાં આવી છે.