કરકસરની વાત માત્ર કાગળ પર જ, ગુજરાત સરકારના મંત્રીઓ માટે 6. 84 કરોડના ખર્ચે 23 કાર ખરીદાશે
ગાંધીનગરઃ ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીઓ માટે રૂપિયા 6.84 કરોડના ખર્ચે 23 કાર ખરીદવામાં આવશે. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાફલામાં સ્કોર્પિયો કારને વિદાય આપીને નવી ફોર્ચુનર કારો ખરીદવામાં આવી હતી. જે તમામ કાર બુલેટપ્રફ હોવાનું કહેવાય છે. મોટાભાગે મુખ્યમંત્રી બહારગામ કોઈ કાર્યક્રમમાં જાય ત્યારે સરકારી વિમાનનો ઉપયોગ કરતા હોય છે. હવે સરકારના મંત્રીઓ માટે પણ અદ્યતન કારો ખરીદવામાં આવશે,
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ઘટતી જતી આવકો સામે નવા નાણાકીય સ્ત્રોત ઊભા કરવાના આયોજન થઇ રહ્યા છે અને મૂડી ખર્ચમાં 91 ટકા જેટલો માતબર વધારો કરવામાં આવતા બજેટ પહેલા તમામ વિભાગોને કરકસરના પગલાં સૂચવવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય મુદ્દો એ હતો કે વિભાગોએ નવી કાર ખરીદવાને બદલે ભાડેથી કાર અને ડ્રાયવરની સેવાઓ મેળવવાનો વિકલ્પ વિચારવાનો રહેશે. પરંતુ સરકારની આ સૂચના કાગળ પર જ રહી છે. ઉલટાનું મંત્રીઓ માટે 6.84 કરોડના ખર્ચે નવી 23 કાર ખરીદવાની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના કાફલામાં નવી ફોર્ચ્યુનર કાર વસાવી છે ત્યારે હવે મંત્રીમંડળના સભ્યો માટે પણ નવી કાર ખરીદવાની જોગવાવાઇ કરવામાં આવી છે. મહત્વની વાત તો એ છે કે હાલના તમામ મંત્રીઓને નવી ઇનોવા ક્રિસ્ટા કાર આપવામાં આવી છે. એક પણ મંત્રી પાસે જૂની કાર નથી છતાં બજેટમાં મંત્રીઓ અને પ્રોટોકોલ ડિવીઝન માટે 30 લાખની કિંમતની નવી 23 ગાડીઓ આવશે. સરકારના નિયમો મુજબ સરકારી કાર 2 લાખ કિલોમીટર અથવા 10 વર્ષ બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી ચલાવવાની હોય છે.