અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના વિધિવત આગમનને હજુ એકાદ મહિનો બાકી છે. હાલ 41થી 42 ડિગ્રી ગરમી અને અસહ્ય બફારામાં લોકો પરેશાન છે. ત્યારે ફરીવાર વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. હાલ પવનની ગતિમાં વધારો થવાથી તાપમાન સરેરાશ 40થી 42 ડિગ્રી રહેવાની શક્યતા છે. તેમજ રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં વાવાઝોડું ફુંકાવવાની શક્યતા છે. દરમિયાન આજે બુધવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વાર આકાશમાં વાદળો ઘેરાયા હતા. અને જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે
ગુજરાતમાં ઉનાળાના પ્રારંભથી સમયાંતરે વાતાવરણમાં પલટો અને કમેસમી વરસાદ પણ પડ્યો હતો. હવે ઉનાળાનો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે. અને અષાઢના આગમનને 25થી 26 દિવસ બાકી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે કાંઠા વિસ્તારોમાં વાવાઝોડાની આગાહી કરી છે. ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાવવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભારે પવન ફુંકાશે. તેમજ દરિયાકાંઠે મીની વાવાઝોડુ ફૂંકાય તેવી શક્યતા છે. મે મહિનાના અંતે સામાન્ય રીતે પ્રિમોન્સૂન વરસાદ સ્થાનિક સી.બી.કલાઉડથી સર્જાતો હોય છે. પરંતુ આવખતે હવામાન તેનું વિચિત્રરૂપ દર્શાવી રહ્યું છે. દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય) 65 કિ.મી.સુધીની ઝડપ સાથે મીની વાવાઝોડુ ફૂંકાવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી તા. તા.26મી મે સુધી 30 થી 40 કિ.મી.ની ઝડપે તથા દરિયાકાંઠે 65 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાશે તેવી ચેતવણી અપાઈ છે. જેને પગલે ગુજરાતના તમામ બંદરોએ માછીમારોને દરિયા નહીં ખેડવાની ચેતવણી અપાઈ છે. આજે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં પવનની દિશા બદલાઈને પશ્ચિમી થઈ હતી અને અરબી સમુદ્ર ઉપરથી વધુ તેજ ગતિએ પવન ફૂંકાયો હતો.
બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વાર વાતાવરણમાં અચાનક પલટો આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. વહેલી સવારથી આકાશમાં વાદળો ગોરંભાયા હતા. ધાનેરા, દાંતીવાડા, ડીસા, લાખણી સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. ઉનાળુ પાકની લણણીના સમયે વાદળો ઘેરાતા ધરતીપુત્રોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે, કેટલાક ખેડૂતોના બાજરી તેમજ મગફળી સહિતના પાકોને પિયત કરવાને લઈ વરસાદ પડે તો ફાયદો થાય શકે તેમ છે.
બનાસકાંઠા જિલ્લામાં સતત કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, પરંતુ બુધવારે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવતા ગરમીથી આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. ધાનેરા, દાંતીવાડા, ડીસા અને લાખણી સહિતના વિસ્તારમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળતા ખેડૂતોના ઉનાળુ પાકની લણણીના સમયે વાદળો ઘેરાતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે.