ડાંગમાં ભારે પવન સાથે પડ્યું માવઠું, આજે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવા ઝાપટાંની આગાહી
અમદાવાદઃ ડાંગ જિલ્લામાં સોમવારે કમોસમી વરસાદ પડતા ખેડૂતોના તૈયાર થયેલા પાક પર પાણી ફરી વળ્યું હતુ.સાપુતારા અને માલેગામમાં પણ કમોસમી વરસાદ પડયો હતો. રાજ્યના કેટલાક વિસ્તારોમાં રવિવારથી માવઠાનો માહોલ સર્જાયો છે, ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે, જેમાં આજે મંગળવારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, દ્વારકા હળવા વરસાદની શક્યતાઓ છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ માવઠાની આગાહી કરવામાં આવી હતી. રવિવાર અને સોમવારે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના હળવા ઝાપટાં પડ્યા બાદ હવે આજે મંગળવારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, દ્વારકા હળવા વરસાદની શક્યતાઓ છે. રવિવારે રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છ, દ્વારકા, સાબરકાંઠા, બનાસકાંઠા અને અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં માવઠું થયુ હતુ. સોમવારે પણ ડાંગ સહિત કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યાના વાવડ મળ્યા છે.
હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના ભાગમાં 4 દિવસ પહેલા સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હતું, જે ધીમે-ધીમે આગળ વધીને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન સુધી પહોચ્યું હતું. સોમવારે તે રાજસ્થાન તરફ આગળ વધીને મધ્યપ્રદેશ રાજસ્થાન પર સક્રિય થયું છે. આ કારણોસર લો પ્રેશર સર્જાયું હતું, તેથી, આગામી 24 કલાક દરમિયાન પણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવા વરસાદની શક્યતાઓ છે જો કે બુધવારથી ગુજરાતના તાપમાનમાં ક્રમશઃ વધારો થશે.
હવામાન વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે, બે દિવસ પહેલા અમદાવાદ શહેરના લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી વ્યક્ત કરી હતી પરંતુ, રવિવારે સાંજે અમદાવાદ શહેરનું વાતાવરણ પલટાતા કેટલાક વિસ્તારોમાં હળવા છાંટાથી લઇને ક્યાંક વરસાદ વરસ્યો હતો. તેના કારણે રાત્રી દરમિયાન વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન યથાવત રહેવાની સંભાવના છે.