Site icon Revoi.in

આમ આદમી જીતવાની જ નથી તેમ લાગશે તો મત નહીં મળે, માટે મજબુત વિકલ્પ બનીશુઃ કેજરિવાલ

Social Share

અમદાવાદઃ ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં સત્તા વિરોધી મતોમાં વિભાજન થતા ફરીવાર સત્તા મેળવવામાં ભાજપને સફળતા મળી હતી. એટલે કે આમ આદમી પાર્ટીને લીધે કોગ્રેસને પુરતી બેઠકો મેળવવામાં ફટકો પડ્યો હતો. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલા વોટ અંગે દિલ્હીમાં ગુજરાતની ટીમે કેજરીવાલ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો હતો. ‘આપ’ના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે સુરત અને ગાંધીનગર મહાનગરપાલિકાનાં પરિણામને લઈને એવો દાવો કર્યો હતો કે ગુજરાતના લોકો ભાજપ અને કોંગ્રેસથી પરેશાન છે અને પરિવર્તન ઈચ્છી રહ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટી અસરકારક વિકલ્પના રૂપમાં ઉભરી રહી છે.સુરત તેમજ ગાંધીનગરના આપના અગ્રણીઓ  દિલ્હી વિધાનસભા ખાતે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રૂબરૂ મળ્યા હતા. કેજરીવાલે તમામ નેતાઓ સાથે વિસ્તારથી ચર્ચા કરીને સૌને માર્ગદર્શન આપ્યું હતું.

કેજરીવાલે દિલ્હી વિધાનસભા ખાતે AAPના ચૂંટાયેલા ગુજરાતના  કોર્પોરેટરો અને અગ્રણી નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે જેવી રીતે અમે દિલ્હીમાં સારું કામ કર્યું એવી વાત ગુજરાત સુધી પહોંચી, એવી જ રીતે સુરતમાં સારું કામ કરશો તો સમગ્ર રાજ્ય સુધી એ વાત પહોંચશે. ગાંધીનગરમાં એક મહિનાની મહેનતમાં જ આપણને 22 ટકા મત મળ્યા એ બદલ અભિનંદન પાઠવતાં કેજરીવાલે કહ્યું હતું કે કેરળમાં ભાજપ 40 વર્ષથી મહેનત કરે છે, પરંતુ 22 ટકા મત મળ્યા નથી. જો AAP મજબૂત વિકલ્પ તરીકે લોકો સમક્ષ ઊભરશે તો લોકો પણ આવકારવા માટે તૈયાર છે, પરંતુ જો લોકોને એમ લાગશે કે આપણે જીતવાના જ નથી તો લોકો મત આપવા માટે પણ તૈયાર નહીં થાય.

AAPની ટીમનેકેજરીવાલે 2022ની વિધાનસભા ચૂંટણી માટે તૈયાર રહેવા અને વધુ મહેનત કરવા જણાવ્યું હતું. જો વધુ મહેનત કરશો તો સારું પરિણામ મળશે. આમ આદમી પાર્ટી પાસે પૈસા નથી, એટલે વિધાનસભાની ચૂંટણી વખતે થોડા રૂપિયા કે પદ માટે વેચાઈ નહીં જવા માટે પણ પાર્ટીના કાર્યકરોને સ્પષ્ટપણે કહ્યું હતું. AAPની ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિઓ પોતે જ કામગીરી કરી રહી છે. તેમના પતિ પણ તેમને મદદ કરી રહ્યા હોવાનું પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું. ગાંધીનગર મનપામાં ભાજપ કોંગ્રેસની લડાઈમાં આમ આદમી પાર્ટીએ કોર્પોરેશનની ચૂંટણીમાં ઝંપલાવીને બન્ને મોટા પક્ષોને નુકસાન પહોંચાડયું છે. જોકે ભાજપ 41 સીટ સાથે સ્પષ્ટ બહુમતી હાંસલ કરી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનાં સૂપડાં સાફ કરી દેવામાં આવ્યાં છે. ત્યારે આમ આદમી પાર્ટીને કારણે કોંગ્રેસને સૌથી વધુ નુકસાન થવા પામ્યું હતું.