અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવા વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે આમ આદમી પાર્ટીએ રાજ્યમાં લોકસંપર્ક અભિયાન આદરીને ભાજપ અને સરકારથી નારાજ હોય એવા અગ્રણીઓને આપમાં જોડવા ભરતી મેળો શરૂ કર્યો છે. તાજેતરમાં જ સુરતના હીરા ઉદ્યોગના અગ્રણીને મહેશ સવાણી ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં દોડાઈ ગયા હતા. મહેશ સવાણીનું સૌરાષ્ટ્રના પાટીદાર સમાજ પર વર્ચસ્વ સારૂ હોવાનું કહેવાય છે. એટલે મહેશ સવાણીએ પાટીદાર સંસ્થાઓ અને તેના આગેવાનોને આપમાં જોડાવવા મનાવી રહ્યા હોવાનું કહેવાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આપ પાર્ટીમાં જોડાયા પછી મહેશ સવાણી આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના પ્રવાસે જશે તે નક્કી જ હતું. મહેશ સવાણી સામાજિક કાર્યો કરતા હોવાથી તેમની સાથે વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો સીધા સંપર્કમાં છે. આ આગેવાનો આપ પાર્ટીમાં જોડાય અથવા જોડાયા વગર આપને ટેકો આપે તેટલા માટે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રનો પ્રવાસ કરશે. સવાણીની સૌરાષ્ટ્રમાં ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં પકડ વધુ છે, અમરેલી થોડી ઓછી છે. પણ તમામ પક્ષના પાટીદાર નેતાઓ સાથે સીધો સંપર્ક ધરાવે છે. એટલું જ નહીં સુરતના ઉદ્યોગપતિઓ સાથે પણ સંબંધો હોવાને લીધે ચૂંટણી ફંડ પણ સારૂએવું લાવી શકે તેમ છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, સૌરાષ્ટ્રનો પાટીદાર સમાજનું ભાજપ પર સારૂ પ્રભુત્વ હોવા છતા ભાજપથી નારાજ હોવાનું કહેવાય છે. તાજેતરમાં જ કાગવડના ખોડલધામના અગ્રણીએ મુખ્યમંત્રી પાટીદાર સમાજનો બને તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમના આ નિવેદનને કારણે કોળી સમાજ અને ઠાકોર સમાજ પણ મુખ્યમંત્રી પોતાના સમાજના બને તેવી માગણી કરી રહ્યા છે. બીજીબાજુ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં હંમોશા ત્રીજો પક્ષ ફાવ્યો નથી. એટલે ચૂંટણી જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો રહેશે. ચૂંટણી આવે ત્યારે નાના નાના પક્ષો આવતા હોય છે. દર ચૂંટણીમાં આવું બનતું હોય છે.