ચીને પોતાના એક અહેવાલ ડેમોક્રેટિક રિફોર્મ ઓફ તિબેટ-60 ઈયર્સ ઑનમાં દાવો કર્યો છે કે દલાઈ લામાના તિબેટ છોડયા ત્યાંની ઈકોનોમીમાં 191 ટકાનો વધારો થયો છે. ચીનના દબાણને કારણે દલાઈ લામા 1959માં ભારતમાં નિરાશ્રિત બનીને આવ્યા હતા. ચીને તે વખતના અને હાલના આંકડાની સરખામમી કરીને બુધવારે તિબેટના જીડીપી વિકાસદર મામલે એક વ્હાઈટ પેપર જાહેર કર્યું છે. જેમાં તિબેટની જીડીપી 1.38 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
ચીને રિપોર્ટમાં દાવો કર્યો છે કે દલાઈ લામાના તિબેટ છોડયાના 60 વર્ષ બાદ ત્યાં હવે ખુશહાલી છે. લોકોએ પોતાની આકરી મહેનતથી ખેતી, પશુપાલન જેવા ક્ષેત્રોની કાયાપલટ કરી દીધી છે.
કૃષિ, પશુપાલન, મત્સ્યપાલન, વન અને સેવા ઉદ્યોગની કિંમત 1959માં 131 કરોડ આંકવામાં આવી હતી. શ્વેત પત્રમાં હવે ચીને દાવો કર્યો છે કે હવે આની કિંમત 13.7 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ચુકી છે.
ચીનનું કહેવું છે કે તિબેટના ઉદ્યોગ-ધંધા 1959માં બદહાલ હતા. પરંતુ સતત કોશિશોને કારણે હવે ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે. એક લાખથી વધારે લોકોની મહેનતથી તિબેટ આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થાન બની ચુક્યું છે.
ચીનનું કહેવું છે કે 1959ની સરખામણીમાં તિબેટ ઘણું આગળ નીકળી ચુક્યું છે. તિબેટની આધારભૂત સંરચના હવે સારી સ્થિતિમાં છે. ત્યાં હવે રેલવે, સડક અને હવાઈ માર્ગ જેવી સુવિધાઓ છે.
બૌદ્ધ ધર્મના આધ્યાત્મિક ગુરુ 14મા દલાઈ લામાનો જન્મ 6 જુલાઈ-1935ના રોજ પૂર્વોત્તર તિબેટના તાકસ્તેર ક્ષેત્રમાં થયો હતો. તેમનું બાળપણનું નામ તેનજિન ગ્યાત્સો છે. 1989માં તેમને નોબલ શાંતિ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો.