ટીકટોક અને હેલ્લો કંપનીને વાગી શકે છે તાળા, હંમેશા માટે બંધ થવાની શક્યતા
દિલ્હીઃ સરહદ ઉપર ભારતીય સેનાના જવાનો ઉપર ચીનની સેનાએ કરેલા હુમલા બાદ ભારત અને ચીનના સંબંધમાં ખટાશ આવી છે. આ દરમિયાન ભારત સરકારે સુરક્ષાના કારણોસર અનેક મોબાઈલ એપ્લિકેશન ઉપર પ્રતિબંધ મુક્યો હતો. જેમાં સૌથી જાણીતી ટીકટોક અને હેલ્લોનો સમાવેશ થાય છે. હવે ટીકટોક અને હેલ્લો એપ્સ દ્વારા ભારતમાંથી પોતાનો વ્યવસાય સંકેલી લેવાની તૈયારી શરૂ કરી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારત સરકાર દ્વારા સુરક્ષાના કારણોસર ટીકટોક સહિત અને ચાઈનીઝ મોબાઈલ એપ્લિકેશન ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો. જેની સામે ચાઈનાએ પણ નારાજગી વ્યક્ત કરી હતી. બીજી તરફ ટીકટોક દ્વારા મોબાઈલ એપ્સથી ભારતને કોઈ જોખમ નહીં હોવાની રજૂઆત કરવામાં આવી હતી. જો કે, સુરક્ષાના મુદ્દે બાંધછોડ નહીં કરવા માંગતી ભારત સરકાર પોતાના નિર્ણય ઉપર અડગ રહી હતી. અંતે હવે ટીકટોક અને હેલ્લો એપ્સ દ્વારા ભારતમાં પોતાનો વ્યવસાય બંધ કરવાની તૈયારીઓ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.
ઉલ્લેખનીય છે કે ટિકટોક એક સમયમાં ખૂબ જ લોકપ્રિય હતું. તેના પર લોકો પોતાના જાતજાતના વિડીયો બનાવીને શેર કરતા હતા. ભારત અને ચીન વચ્ચે તનાવને પગલે અનેક ચાઈનીઝ એપ પર પ્રતિબંધ લદાયા હતા, જેમાં ટીકટોક પણ સામેલ હતું.
ભારત સરકાર દ્વારા આગામી સમયમાં ચીન વિરુદ્ધ વઘારે કડક પગલા લેવામાં આવી શકે તેમ છે. કારણ કે ભારતના વીર સપૂતોનું બલીદાન દિલ્લી સરકાર ભૂલવાના મૂડમાં નથી.