ગુજરાતમાં ફરી એકવાર જોવા મળ્યો વાઘ, મહિસાગરના ગ્રામજનોએ કર્યો દાવો
અમદાવાદઃ ગુજરાતમાં સાવજો અને દીપડાની વસ્તીમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વધારો થયો છે. જો કે, રાજ્યમાં વાઘની વસતી નથી. જો કે, પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં વાઘની સંખ્યા વધારે છે. દરમિયાન રાજ્યના સરહદી જિલ્લા મહિસાગરમાં ફરી એકવાર જોવા મળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કે, વનવિભાગ દ્વારા આ અંગે કોઈ પુષ્ટી કરવામાં આવી નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર ખાનપુરના જેઠોલા ગામ પાસે ફરી એકવાર વાઘ જોવા મળ્યો હોવાનો લોકોએ દાવો કર્યો છે. તેમજ ગ્રામજનોએ વાધ દ્વારા ગાય પર હુમલો કરાયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જો વાઘ જોવા મળ્યો હોય તો દેશનું પ્રથમ એવું રાજ્ય હશે ક્યાં સિંહ, દીપડા અને વાઘની હાજરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહિસાગર જિલ્લાના જંગલમાં ગત ફેબ્રુઆરીમાં પણ વાઘ જોવા મળ્યો હતો. જેના પગલે વનવિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તેમજ વાઘનો મૃતદેહ મળી આવ્યો હતો. ગત વર્ષે વન વિભાગ દ્વારા વાઘ દેખાયાના દાવા કરવામાં આવ્યા હતા તે સ્થળો પર સર્વે કરવામાં આવ્યું હતું. જેમાં વાઘના પંજાના નિશાન મળી આવ્યાં હતા.