Site icon Revoi.in

ગુજરાતમાં 25-મતગણતરી કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Social Share

અમદાવાદઃ ૦૪ જૂનના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-2024 તથા વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી-૨૦૨૪ ની મતગણતરી અનુસંધાને શમશેર સિંઘ, પોલીસ મહાનિદેશક (કાયદો અને વ્યવસ્થા) અને લોકસભા સામાન્ય ચૂંટણી-2024ના પોલીસ નોડલ અધિકારી દ્વારા તમામ પોલીસ કમિશનર, રેન્જ વડાઓ તથા પોલીસ અધિક્ષકઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવા સૂચના કરવામાં આવેલ છે.

જે અનુસંધાને રાજ્યમાં ૨૫-મતગણતરી કેન્દ્રો ઉપર ત્રી-સ્તરીય બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. જેમાં મતગણતરી રૂમ ઉપર CAPFની કંપનીઓ રાખવામાં આવેલ છે. મતગણતરી બિલ્ડીંગમાં SRPFની કંપનીઓ રાખવામાં આવેલ છે તેમજ મતગણતરી બિલ્ડીંગના બહારના ભાગે ટ્રાફીક, પાર્કીંગ વ્યવસ્થા તેમજ જરૂરી બંદોબસ્ત સ્થાનિક પોલીસ દ્વારા ગોઠવવામાં આવેલ છે.

મતગણતરી કેન્દ્ર ખાતે વાહનોના પ્રવેશ-પ્રતિબંધ સંદર્ભે ટ્રાફિક અને પાર્કિંગ વ્યવસ્થા અંગે જરૂરી વ્યવસ્થા ગોઠવવા, વિવિધ એજન્સીઓ સાથે સંકલન રાખી મતગણતરી કેન્દ્ર ખાતે એન્ટી સબોટેજ ચેકિંગ તેમજ ભીડ નિયંત્રણ અર્થે યોગ્ય બેરિકેડીંગ રાખવા જણાવવામાં આવેલ છે.

આ ઉપરાંત, મતગણતરી કેન્દ્ર ખાતેના હોલમાં કાઉન્ટિંગ સુપરવાઈઝર, કાઉન્ટિંગ આસિસ્ટન્ટ્સ, માઈક્રો-ઑબ્ઝર્વર્સ, ECI દ્વારા અધિકૃત વ્યક્તિઓ, ચૂંટણીના સંબંધમાં ફરજ પરના સાર્વજનિક સેવકો, ઉમેદવારો, ચૂંટણી એજન્ટો અને મતગણતરી એજન્ટોને પ્રવેશ મળી રહે તે માટે નિયમોનુસાર કાર્યવાહી કરવા તથા અન્ય કોઈપણ અનધિકૃત વ્યક્તિને મતગણતરી સ્થળે પ્રવેશવાની મંજૂરી નહી આપવા જણાવવામાં આવેલ છે. તેમજ મોબાઈલ/આઈ-પેડ, લેપટોપ, સ્માર્ટ વોચ અને અન્ય સ્માર્ટ ઈલેક્ટ્રોનિક ઉપકરણો અથવા કોઈપણ રેકોર્ડીંગ ઉપકરણો કાઉન્ટીંગ હોલની અંદર લઈ પ્રવેશ ન કરે તથા કોઈ પણ પ્રતિબંધિત વસ્તુઓ અંદર લઈ જવામાં ન આવે તેની ખાતરી કરવા અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીને ધ્યાને રાખી, જરૂરી પોલીસ બંદોબસ્ત રાખવા તમામ પોલીસ કમિશનરઓ, તમામ રેન્જ વડાઓ અને તમામ પોલીસ અધિક્ષકઓને જણાવવામાં આવેલ છે.