અમેરિકામાં ટિકટોકની મુશ્કેલીઓ વધી, ગેરકાયદેસર રીતે બાળકોના ડેટા એકત્ર કરવાનો આરોપ
નવી દિલ્હીઃ અમેરિકી સરકારે ચીનની માલિકીની સોશિયલ મીડિયા કંપની ટિકટોક વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. અમેરિકાનો આરોપ છે કે ટિકટોક કંપનીએ ગેરકાયદેસર રીતે માહિતી એકઠી કરીને બાળકોની સુરક્ષાને જોખમમાં મુકી છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે શુક્રવારે આ અંગેની જાણકારી આપી. તેમણે જણાવ્યું કે, તેમણે ટિકટોક સામે કેલિફોર્નિયાની ફેડરલ કોર્ટમાં ચિલ્ડ્રન્સ ઓનલાઈન પ્રાઈવસી પ્રોટેક્શન એક્ટ (સીઓપીપીએ)નું ઉલ્લંઘન કરવા અને કાયદાનું પાલન કરવાના અગાઉના કોર્ટના આદેશને લાગુ કરવામાં નિષ્ફળ રહેવા બદલ આ કેસ દાખલ કર્યો છે.
ફેડરલ ટ્રેડ કમિશનના વડા લેના ખાને જણાવ્યું કે, “ટિકટોક જાણી જોઈને અને વારંવાર બાળકોની ગોપનીયતાનું ઉલ્લંઘન કરે છે અને દેશભરના લાખો બાળકોની સુરક્ષાને જોખમમાં મૂકે છે.” ટિકટોક અને તેની સહિયોગી કંપની બાઈટ ડાન્સ સામે નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, 2019થી ટિકટોક નિયમિતપણે બાળકોને ટિકટોક એકાઉન્ટ બનાવવા અને પુખ્ત વયના લોકો સાથે ટૂંકા સ્વરૂપના વીડિયો અને સંદેશાઓ શેર કરવાની મંજૂરી આપે છે.
ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ટિકટોક કંપનીએ 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની અંગત માહિતી એકઠી કરી છે, જેમાં તેમની અંગત માહિતી અને ઈમેલ અને એડ્રેસનો સમાવેશ થાય છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, માતા-પિતાને આ અંગેની માહિતી મળતાં જ તેમણે ટિકટોક પર ફરિયાદ કરી. તેમણે ટિકટોકને એકાઉન્ટની માહિતી દૂર કરવા કહ્યું. પરંતુ કંપનીએ પરિવારના સભ્યોની માંગને અવગણી હતી.
અમેરિકી સરકારે 2019માં ઓનલાઈન પ્રાઈવસી પ્રોટેક્શન એક્ટના ઉલ્લંઘન માટે ટિકટોકના મ્યુઝિકલ.એલવાય પર પણ કેસ દાખળલ કર્યો હતો. કોર્ટે તેને કાયદાનું પાલન કરવાનું કહ્યું હતું. પરંતુ તે આદેશની પણ અવગણના કરવામાં આવી હતી. દરમિયાન, એક્ટિંગ એસોસિયેટ એટર્ની જનરલ બેન્જામિન મિઝરે જણાવ્યું હતું કે, “વિભાગ ખૂબ જ ચિંતિત છે કે, કોર્ટના આદેશ છતાં ટિકટોકે બાળકોની વ્યક્તિગત માહિતી એકત્ર કરવાનું અને જાળવી રાખવાનું ચાલુ રાખ્યું છે.”