Site icon Revoi.in

ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ચેરમેન ઇન્દુ જૈનનું 84 વર્ષની વયે નિધન

Social Share

દિલ્હી : ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ચેરમેન ઇન્દુ જૈનનું 84 વર્ષની વયે નિધન થયું છે. ગુરુવારે કોવિડ -19 સંબંધિત જટિલતાઓને કારણે તેમનું નિધન થયું. કંપનીના સૂત્રોએ આ અંગે માહિતી આપી હતી. સમૂહના સમાચાર ચેનલ ‘ટાઇમ્સ નાઉ’ના એક ટવિટમાં જૈનને જીવનભર આધ્યાત્મિક સાધક, અગ્રણી પરોપકારી,કળાના પ્રખ્યાત આશ્રયદાતા અને મહિલા અધિકારના કટ્ટર સમર્થક ગણાવ્યા છે. ટાઇમ્સ ગ્રુપના સૂત્રોએ જણાવ્યું હતું કે, તેણે દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા હતા.

ઇન્દુ જૈનના નિધન પર રાજનેતાઓ,ઉદ્યોગ જગતના લોકો અને આધ્યાત્મિક ગુરુઓ,મિત્રો અને પ્રશંસકોએ દુઃખ વ્યક્ત કર્યું અને તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. 1999 માં ટાઇમ્સ ગ્રુપના અધ્યક્ષ બન્યા પછી, તેમણે એક અલગ નેતૃત્વ શૈલી વિકસાવી,જેમાં દયા અને સમાવેશનની વિશેષતા છે, જેણે સમૂહને નવી ઉંચાઈઓ પર લઈ જવામાં મદદ કરી.

જૈને કલ્યાણકારી ગતિવિધિઓ માટે 2000 માં ટાઇમ્સ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. 1999 થી તેઓ ભારતીય જ્ઞાનપીઠ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે પણ રહી ચૂક્યા છે. તેમને 2016 માં દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

ઇન્દુ જૈનના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું કે ટાઇમ્સ ગ્રુપના અધ્યક્ષ શ્રીમતી ઇન્દુ જૈનના નિધનથી દુઃખી છું. તેમની સમુદાય સેવા પહેલ,ભારતની પ્રગતિ પ્રત્યેની ઉત્કટતા અને આપણી સંસ્કૃતિમાં ઊંડી રૂચી માટે તેમને યાદ કરવામાં આવશે. મને તેની સાથેની મારી વાતચીત યાદ છે. તેના પરિવારને સંવેદના. ઓમ શાંતિ.