અમદાવાદ :વંદે ભારત ટ્રેનના સમયને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ લગભગ 25 ટ્રેનોના સમયમાં ફેરફાર કર્યો છે.જે ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેમાં મુંબઈ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનનો સમાવેશ થાય છે.ગુજરાતના વાપી અને અમદાવાદ રેલવે સ્ટેશન વચ્ચે તેના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
રેલ્વે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ટ્રેન નંબર 20901/02 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસને ચલાવવાને કારણે ઘણી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું કે ટ્રેનોના સમયમાં માત્ર થોડી મિનિટોનો ફેરફાર કરવામાં આવ્યો છે. તે જ સમયે, આગામી થોડા દિવસોમાં નવું સમયપત્રક અમલમાં આવશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટ્રેનની કામગીરીને સરળ બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રેલવેના જણાવ્યા અનુસાર,મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ, હાવડા-અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનસ-ગોરખપુર હમસફર એક્સપ્રેસ અને બાંદ્રા ટર્મિનસ-રામનગર સુપરફાસ્ટ એક્સપ્રેસના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
સ્વદેશી ડિઝાઇન અને ઉત્પાદિત સેમી-હાઇ સ્પીડ મુંબઇ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસને પીએમ નરેન્દ્ર મોદીએ આ વર્ષે 30 સપ્ટેમ્બરે ગુજરાતની રાજધાનીથી લીલી ઝંડી બતાવી હતી અને બીજા દિવસે વ્યવસાયિક કામગીરી શરૂ થઈ હતી.