Site icon Revoi.in

સુરતમાં ભાજપ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ, ધારાસભ્યો, સાંસદ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તા જોડાયા

Social Share

સુરતઃ  શહેરમાં હર ઘર તિરંગા યાત્રાને લઈને રવિવારના દિવસે મોટી સંખ્યામાં ભાજપ દ્વારા અલગ અલગ વિધાનસભા વિસ્તારમાં યાત્રા યોજવામાં આવી હતી. ભાજપના યુવા મોરચા સહિતના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં બાઈક રેલીમાં સહભાગી થયા હતા.

સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા વરાછા વિધાનસભા વિસ્તારમાં ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત માતાકી જય અને દેશભક્તિના ગીત સાથે બાઈક રેલી નીકળી હતી. સુરતના સાંસદ દર્શના જરદોશ અને વરાછા રોડ બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણીની અધ્યક્ષતામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વરાછા વિસ્તારમાં એક સાથે મોટી સંખ્યામાં રેલી નીકળતા દેશભક્તિનો માહોલ સર્જાયો હતો.શહેરના વરાછા બાદ કતારગામ વિધાનસભામાં પણ મોટી સંખ્યામાં બાઇક પર સવાર ભાજપના કાર્યકર્તા હાથમાં તિરંગો લઈને નીકળ્યા હતા. કતારગામ ડભોલી ચાર રસ્તાથી શરૂ થયેલી તિરંગા યાત્રા કાન્તારેશ્વર મહાદેવ મંદિરે આવીને પૂર્ણ થઈ હતી. સ્થાનિક ધારાસભ્ય વિનુ મોરડીયા સહિત ભાજપના કાર્યકર્તાઓ કંતારેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીને તિરંગા યાત્રાને પૂર્ણ જાહેર કરી હતી.

સુરત શહેરમાં આજે સોમવારે  ”આઝાદી કા અમૃત મહોત્સવ” હેઠળ “હર ઘર તિરંગા” કાર્યક્રમ થશે. આ કાર્યક્રમ ઉધના GSRTC બસ સ્ટેશન થી દક્ષેશ્વર મહાદેવ મંદિર સુધીના રૂટ પર પદયાત્રા યોજાશે  જેમાં દસ હજાર કરતાં વધુ લોકો જોડાવાના હોય આ રૂટની સીટી અને બીઆરટીએસ સેવાને અસર થશે. આ પદયાત્રાને ધ્યાનમાં રાખીને સુરત મ્યુનિ. સંચાલિત બીઆરટીએસ અને સીટી બસના ઉધના દરવાજાથી સચિન GIDC અને  કામરેજ ટર્મિનલ થી સચીન રેલ્વે સ્ટેશન  સુધીનો રુટ યાત્રા પુરી ન થાય ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.  જ્યારે કેટલાક રૂટ ડાયવર્ટ કરવામાં  આવ્યા છે.

ભારત દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી “આઝાદીકા અમૃત મહોત્સવ” હેઠળ “હર ઘર તિરંગા” કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી ઉજવણી સુરત શહેરમાં પણ પુર જોશમાં કરવા માટે આયોજન થઈ રહ્યું છે. શહેરમાં આજે સોમવારે સવારે નવ વાગ્યાથી એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

એક અંદાજ મુજબ આ પદયાત્રામાં દસ હજાર કરતાં વધુ લોકો જોડાવાના હોય લોકોની સુરક્ષા અને ટ્રાફિક નિયમન માટે પોલીસ વિભાગ દ્વારા ઉધનાથી દક્ષેશ્વર મહાદેવ મંદિર પરથી પસાર થતા રૂટોને સદર કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ અથવા ડાયવર્ટ કરવા સૂચના આપવામાં આવી છે.  જેના કારણે આ વિસ્તારમાંથી પસાર થતી પાલિકાની સીટી અને બીઆરટીએસના કેટલાક રૂટ ડાયવર્ટ કરાયા છે તો કેટલાક યાત્રા સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.