રાજકોટઃ દેશભરમાં આગામી 15 ઓગસ્ટનાં રોજ 77માં સ્વાતંત્ર્ય પર્વની ભારે આનંદોલ્લાસથી ઊજવણી કરાશે. જેના ભાગરૂપે રાજકોટમાં 14 ઓગસ્ટનાં રોજ એક તિરંગયાત્રાનું આયોજન કરાયુ છે. સરદાર પટેલની પ્રતિમાંથી મહાત્મા ગાંધીની પ્રતિમા સુધીની આ તિરંગયાત્રા માટે તડામાર તૈયારી શરૂ કરવામાં આવી છે. તિરંગાયાત્રાને સફળ બનાવવા માટે શહેરનાં મેયર ડો. પ્રદીપ ડવનાં અધ્યક્ષસ્થાને ખાસ બેઠક યોજવામાં આવી હતી. જેમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી તેમજ ધારાસભ્ય રમેશ ટીલાળા સહિતનાં સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા.
રાજકોટમાં 14મી ઓગસ્ટના રોજ યોજાનારી તિરંગા યાત્રામાં વધુને વધુ લોકો જોડાય તે માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. શહેરના મેયર ડૉ. પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, તિરંગો એ આપણું ગૌરવ છે. અનેક ક્રાંતિવીરોએ શહાદત વહોરી આપણને આઝાદી અપાવી છે. યુવા પેઢીમાં રાષ્ટ્રીય ભાવના પ્રબળ બને અને શહેરીજનોમાં પણ જાગૃતતા આવે તેવા શુભ હેતુથી આ સરકારી કાર્યક્રમને બદલે આપણો કાર્યક્રમ છે, તેમ સમજી તિરંગાયાત્રા સમગ્ર ગુજરાતમાં રાજકોટ શહેરની સારામાં સારી યાત્રા બની રહે, તેમજ 25 હજાર શહેરીજનો જોડાય તેવા પ્રયત્નો કરવામાં આવશે. બેન્ડની સુરાવલી તેમજ રંગોળીઓ, રાસ-ગરબા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે આ યાત્રાની ઊજવણી કરવામાં આવશે.
આ બેઠકમાં ઉપસ્થિત રહેલા શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યું કે, શહેરમાં આપણી તિરંગા યાત્રાની નોંધ લેવાય અને આન-બાન-શાન સાથે આ યાત્રા યોજાય તે માટે સૌ સાથે મળીને યાત્રાને સફળ બનાવવા જહેમત ઉઠાવવી જરૂરી છે. આ યાત્રા સરકારી કાર્યક્રમને બદલે રાષ્ટ્ર ભાવનાનો કાર્યક્રમ છે. ત્યારે વધુમાં વધુ લોકો તિરંગયાત્રામાં ભાગ લે તે માટે સહિયારો પ્રયાસ કરીશું. યુવા પેઢીમાં રાષ્ટ્રીય ભાવના પ્રબળ બને તેવા શુભ આશય સાથે બહોળી સંખ્યામાં નગરજનો, વિવિધ સંસ્થાના લોકો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ, કર્મચારીઓ વગેરે જોડાય તેવી અપીલ પણ તેમણે કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, તિરંગાયાત્રાને સફળ બનાવવા માટે વ્યવસાયિક એસો., વિવિધ ચેમ્બર્સ, ઇન્ડસ્ટ્રીયલ એસો., વિવિધ સમાજ, બિલ્ડર્સ, ધાર્મિક સંગઠનો, રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ, NGO, સખી મંડળો, રમત ગમતની સંસ્થાઓ, NSS, NCC, IMA, કેમિસ્ટ અને ડ્રગીસ્ટ એસો., હોટેલ, રેસ્ટોરન્ટ, ફૂડ વેન્ડર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ, RMC સંચાલિત હાઈસ્કૂલો, યુનિવર્સિટી, તેમજ ખાનગી ટ્રસ્ટ સંચાલિત શાળા-કોલેજો સાથે સંકલન માટે ચેરમેન, કોર્પોરેટરો અને અધિકારીઓની કમિટીની રચના કરવામાં આવી છે. હાલ શહેરમાં તિરંગયાત્રાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.