ઈ-સરકાર વેબ એપ્લિકેશન થકી રાજ્યની સરકારી કચેરીઓ બનશે પેપરલેસ
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા તથા રાજ્યમાં ઝડપી અને સરળ વહીવટની નેમ સાથે ગુજરાતની હાલની વહીવટી કાર્ય પદ્ધતિને સંપૂર્ણપણે પેપરલેસ કરવા “ઇ-સરકાર” વેબ એપ્લિકેશન શરૂ કરવા કરવામાં આવી છે. હવે સરકારી કચેરીઓ પણ આ વેબ એપ્લિકેશન થકી પેપરલેસ બનશે. રાજ્યના તમામ જિલ્લામાં ત્વરીતપણે ઈ-સરકાર વેબ એપ્લિકેશનના અમલીકરણ પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જે માટે તમામ જિલ્લામાં અધિકારીઓને તાલીમ આપવામાં આવી રહી છે. પાટણ જિલ્લો પણ ઈ-સરકાર વેબ એપ્લિકેશનના અમલીકરણ માટે કટીબદ્ધ છે. જિલ્લા સેવા સદન ખાતે જિલ્લાના તમામ અધિકારીઓની વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
રાજ્યમાં IWDMS(ઇન્ટિગ્રેટેડ વર્ક ફ્લો એન્ડ ડોક્યુમેન્ટ મેનજમેન્ટ સિસ્ટમ) નામની એપ્લિકેશન વહીવટી કામગીરી માટે ચાલુ છે. જેમાં હવે અદ્યતન ટેકનોલોજીનો સમન્વય કરીને ઇ-સરકાર વેબ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી એટલે કે, 31 ઓક્ટોબરથી રાજ્યમાં ઇ-સરકાર વેબ એપ્લિકેશનનો પાઇલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીજીની જન્મજયંતી એટલે કે 25 ડિસેમ્બરથી રાજ્યની વહિવટી કાર્ય પદ્ધતિને સંપૂર્ણપણે પેપલલેસ કરવા ઈ- સરકાર વેબ એપ્લિકેશનનો સંપૂર્ણપણે અમલ કરાવવા માટે કામગીરી શરૂ કરાઈ છે. પાટણ જિલ્લાની વાત કરીએ તો, જિલ્લાની તમામ કચેરીઓમાં હવેથી ઓનલાઈ કામગીરી કરવામાં આવશે.
આ કામગીરી માટે તમામ કચેરીઓના વડાઓની કલેક્ટર ઓફિસ પાટણના નવા કોન્ફરન્સ હોલમાં વિડીયો કોન્ફરન્સ અને પ્રત્યક્ષ તાલીમનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ. જિલ્લા કલેક્ટર સુપ્રિતસીંઘ ગુલાટીના અધ્યક્ષ સ્થાને તેમજ ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી પ્રદિપસિંહ રાઠોડની ઉપસ્થિતીમાં આયોજિત આ તાલીમમાં કુલ 300 થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓએ તાલીમ મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીએ સુશાસન દિવસે રાજ્યના જિલ્લાઓને ઈ-સરકાર વેબ એપ્લિકેશનના અમલીકરણ માટે અપીલ કરી હતી, જે અપીલ પ્રત્યે હકારાત્મક વલણ રાખીને પાટણ જિલ્લાની રેવેન્યુ,પંચાયત સહીત તમામ કચેરીઓને પેપરલેસ બનાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર કટીબદ્ધ છે.