ગીગા વોટ સ્કેલની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવા માટે રૂ. 19,500 કરોડનો ખર્ચઃ મંત્રી અનુરાગ ઠાકુર
નવી દિલ્હીઃ કેબિનેટે ઉચ્ચ કાર્યક્ષમતાવાળા સૌર પીવી મોડ્યુલ્સમાં ગીગા વોટ સ્કેલની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવા માટે ‘ઉચ્ચ કાર્યક્ષમતાવાળા સોલાર પીવી મોડ્યુલ્સના રાષ્ટ્રીય કાર્યક્રમ’- પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમને મંજૂરી આપી છે.
નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતાં માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે જણાવ્યું કે, ગીગા વોટ સ્કેલની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવા માટે 19, 500 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તેમણે જણાવ્યું હતું કે, તેનો ઉદ્દેશ્ય ઉચ્ચ કાર્યક્ષમતાવાળા સૌર પીવી મોડ્યુલ્સના ઉત્પાદન માટે ઇકોસિસ્ટમ બનાવવાનો છે.
મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે જણાવ્યું હતું કે, સોલર પીવી ઉત્પાદકોની પસંદગી પારદર્શક પસંદગી પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે. તેમણે કહ્યું કે, લગભગ 65 હજાર મેગા વોટ વાર્ષિક ઉત્પાદન ક્ષમતા સંપૂર્ણ અને આંશિક રીતે સંકલિત સોલાર પીવી મોડ્યુલ સ્થાપિત કરવામાં આવશે. મંત્રીએ કહ્યું કે, લગભગ 94 હજાર કરોડ રૂપિયાનું સીધું રોકાણ થશે.
કેબિનેટે મિકન્ડક્ટર્સ અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમના વિકાસ માટેના કાર્યક્રમમાં ફેરફારને પણ મંજૂરી આપી છે. મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે જણાવ્યું હતું કે, સમગ્ર ટેકનોલોજી નોડ્સમાં સેમિકન્ડક્ટર ફેબ્સ તેમજ કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર્સ, પેકેજિંગ અને અન્ય સેમિકન્ડક્ટર સુવિધાઓ માટે 50 ટકા પ્રોત્સાહનો હશે.