ગુજરાત ટૂરિઝમ દ્વારા પ્રવાસીઓને આકર્ષવા દેશના સાત શહેરોમાં ટુરિસ્ટ ઈન્ફોર્મેશન સેન્ટર બનાવાશે
ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા એક દાયકામાં પ્રવાસન સ્થળોનો સારોએવો વિકાસ થયો છે. પ્રવાસન ઉદ્યોગને વેગ મળતા રોજગારીમાં પણ વધારો થયો છે. દેશના અન્ય રાજ્યોના પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવે તે માટે દેશના સાત શહેરોમાં ટુરિસ્ટ ઈન્ફોર્મેશન સેન્ટર બનાવાશે, તેમજ રાજ્યના 31 જિલ્લાઓમાં ટુરિસ્ટ સેન્ટર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાતનાં પ્રવાસન ક્ષેત્રે અનેક ગણા સુધારા કરવામાં આવી રહ્યાં છે. પ્રવાસીઓનો ધસારો વધે તે માટે સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે ત્યારે હવે ગુજરાતના પ્રવાસન સ્થળોનો પ્રચાર દેશભરમાં થાય તે પ્રકારનો સૈદ્ધાંતિક નિર્ણય આજ રોજ યોજાયેલી કેબિનેટ બેઠકમાં લેવાયો છે. દેશના 7 સ્થળોએ ટુરિઝમ ઈન્ફોર્મેશન સેન્ટર બનાવાશે વૈશ્વિક સ્તરે પ્રચલિત એવા દેશના 7 પ્રવાસન અને ધાર્મિક સ્થળ પર ગુજરાત પ્રવાસન વિભાગની બ્યુરો ઓફિસ બનાવાશે. આ ઓફિસમાં અલગ અલગ બે કચેરી ઊભી કરવામાં આવશે. ઓફિસમાં ગુજરાતના ફરવા લાયક તમામ સ્થળોની માહિતી તથા જાણકારી આપતા મટિરિયલ રાખવામાં આવશે. દેશમાં ટુરિસ્ટ ઈન્ફોર્મેશન સેન્ટર ઊભા કરવામાં આવશે. જેમાં અયોધ્યા, વારાણસી, દહેરાદૂન, ભુવનેશ્વર, ઇન્દોર, ચંડીગઢ અને નાગપુરનો સમાવેશ થાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ટુરિસ્ટ ઈન્ફોર્મેશન સેન્ટર બનાવવા સરકારે જે નિર્ણય કર્યો છે, તેમાં સ્ટાફ પણ સરકાર દ્વારા જ નિયુક્ત કરાશે. કરાર આધારિત સ્ટાફ સંભવત: તમામ માહિતી પૂરી પાડશે. ઓફિસ બનાવવા તેમજ સ્ટાફને પગાર આપવા સહિતનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. રાજ્યમાં ટુરિસ્ટ સેન્ટર 31 જિલ્લા મથકોએ બનાવાશે. જેમાં અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, ખેડા, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, ગોધરા, પાટણ, પોરબંદર, સાબરકાંઠા, હિંમતનગર, સુરેન્દ્રનગર, તાપી, વ્યારા, વડોદરા અને વલસાડનો સમાવેશ થાય છે.
રાજ્યમાં પ્રવાસન સ્થળો પૈકી સોમનાથ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, નડા બેટ, શિવરાજપુર બીચ વગેરે જેવા સ્થળોનો પ્રચાર એટલા માટે કરાશે કેમ કે રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યા વધે અને સરકારની આવકમાં વધારો થઈ શકે છે.