ભારતમાં કોવિડ-19 કાબુમાં, અત્યાર સુધીમાં 92 કરોડ કોરોના ટેસ્ટ કરાયાં
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના ઉપર સરકારે કાબુ મેળવ્યો છે, બીજી તરફ રસીકરણ અભિયાન વધારે તેજ બનાવવામાં આવ્યું છે. સરકાર દ્વારા અત્યાર સુધીમાં કોરોનાની રસીના 221 કરોડ ડોઝ આપવામાં આવ્યાં છે. બીજી તરફ કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે અત્યાર સુધીમાં કુલ 91.64 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા છે.
સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર દેશમાં કોવિડ 19 ઉપર સંપૂર્ણ કાબુ મેળવવા માટે રસીકરણ તથા પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગ પ્રક્રિયા તેજ બનાવવામાં આવી છે. અત્યાર સુધીમાં 95.19 કરોડ લોકોને બીજો ડોઝ અને 22.82 કરોડ લોકોને સાવચેતી ડોઝ આપવામાં આવ્યો છે. હાલ દેશમાં કોવિડના 1771 પોઝિટિવ કેસ છે અને આ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. આમ હાલની સ્થિતિમાં પોઝિટિવ કેસનું ભારત 0.01 ટકા જેટલું છે. બીજી તરફ અત્યાર સુધીમાં 4.42 કરોડ દર્દીઓ કોરોનાને મહાત આપીને સાજા થયાં છે. દેશમાં દર્દીઓના સાજા થવાનો દર હાલ 99 ટકા જેટલો છે.
દુનિયાના અનેક દેશો હાલ કોરોના સામે લડાઈ લડી રહ્યાં છે. ભારતમાં કોરોનાની સંભવિત લહેરને ધ્યાનમાં રાખીને મોદી સરકાર દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે.