Site icon Revoi.in

દેશમાં ડુંગળીના ભાવોને કાબુમાં રાખવા હવે કેન્દ્ર સરકારે લગાવી 40 ટકા એક્સપોર્ટ ડ્યૂટી

Social Share

દિલ્હીઃ દેશમાં કૃષિ ઉત્પાદનોની વધુ પડતી નિકાસને કારણે સ્થાનિક બજારોમાં માલની અછત સર્જાતા ભાવમાં વધારો થતો હોય છે. આમ મોંઘવારી વધારવામાં વધુ પડતી નિકાસ પણ કારણભૂત બનતી હોય છે. આથી કેન્દ્ર સરકારે દેશમાંથી ડુંગળીની નિકાસ પર નિયંત્રણો લાદી દીધા છે. સ્થાનિક બજારમાં ડુંગળીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને તેની કિંમતોને નિયંત્રણમાં રાખવા માટે સરકારે આ પગલું ભર્યું છે. આ અંતર્ગત ડુંગળીની નિકાસ પર 40 ટકાની ભારે ડ્યુટી લાદવામાં આવી છે, જે આ વર્ષના અંત સુધી લાગુ રહેશે.

કેન્દ્ર સરકારે શનિવારે સાંજે ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલી ડ્યૂટી અંગે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે સરકારે 31 ડિસેમ્બર 2023 સુધી ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યૂટી લગાવવાનો નિર્ણય કર્યો છે.  છૂટક બજારમાં વધતી મોંઘવારીને રોકવા કેન્દ્ર સરકારે  મોટો નિર્ણય લીધો છે. સરકારે ડુંગળી પર 40 ટકા એક્સપોર્ટ ડ્યુટી લગાવવાની જાહેરાત કરી છે. આ માટે સરકારે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. નોટિફિકેશનમાં જણાવાયું છે કે, ડુંગળી પર 40 ટકા એક્સપોર્ટ ડ્યુટી લગાવાઈ છે, જે 31 ડિસેમ્બર સુધી લાગુ રહેશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, તાજેતરમાં એવા અહેવાલો પ્રકાશિત થયા હતા કે,  દેશમાં સપ્ટેમ્બરમાં ડુંગળીની કિંમતો વધી જશે.  હાલ 25થી 30 રૂપિયે કિલો મળતી ડુંગળી આગામી મહિને 60થી 70 રૂપિયે કિલોના ભાવે પહોચે તો નવાઈ નહીં ગણાય. કારણ કે નિકાસ વધી રહી હોવાથી બજારમાં ડુગળીના માલની અછત સર્જાશે અને તેના કારણે  મોંઘવારી ફરી આકાશે આંબી જશે. ત્યારે જાણકારોનું જણાવ્યા મુજબ સંભવિત મોંઘવારીને પહોંચી વળવા સરકાર અગાઉથી સતર્ક થઈ ગઈ છે. આ જ કારણે સરકારે 31 ડિસેમ્બર સુધી ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યુટી લગાવી દીધી છે.

કેન્દ્ર સરકારે ગત સપ્તાહે જાહેરાત કરી હતી કે, સરકાર બફર સ્ટોક દ્વારા ખુલ્લા માર્કેટમાં 3 લાખ ટન ડુંગળી જારી કરશે. સરકારનું માનવું છે કે, એક સાથે 3 લાખ ટન ડુંગળી માર્કેટમાં આવવાથી અછત દુર થશે. ઉપરાંત આમ કરવાથી વધતી કિંમત પર પણ અંકુશ મુકી શકાશે. જોકે સરકારના આ નિર્ણયથી ખેડૂતો નારાજ થયા છે. મહારાષ્ટ્રના ડુંગળી ઉત્પાદક ખેડૂતોએ આંદોલન કરવાની ચેતવણી આપી છે. ખેડૂતોનું કહેવું છે કે, જો સરકાર તેમનો નિર્ણય પરત નહીં ખેંચે તો તેઓ રસ્તાઓ ઉપર ઉતરી આંદોલન કરશે. સરકારના ડેટા મુજબ ડુંગળીની કિંમતોમાં વધારો ઓગસ્ટ મહિનાથી શરૂ થઈ ગયો છે. 10 ઓગસ્ટે દેશભરમાં ડુંગળીની સરેરાશ કિંમત કિલોએ 27.90 રૂપિયે પહોંચી ગઈ હતી, જે ગત વર્ષની તુલનાએ 2 રૂપિયા વધુ છે.