Site icon Revoi.in

કચ્છી કેસર કેરીનો સ્વાદ માણવા માટે કેરી શોખિનોએ રૂ. 700થી 1200 સુધી ચુકવવા પડશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં હાલ કેરીની સિઝન ચાલી રહી છે અને હાલ રાજ્યની જનતા ગીરની કેસર, બદામ અને લંગડા સહિતની કેરીનો સ્વાદ માણી રહ્યાં છે. પરંતુ ચાલુ વર્ષે રાજ્યની સુપ્રસિદ્ધ કચ્છની કેસર કેરીના પાકનું વાવેતર ઘડ્યું હોવાથી તેનો સ્વાદ માણવા માટે કેરીના શોખીનોએ ખિસ્સા હળવા કરવા પડશે.

રાજ્યમાં ઉનાળાના પ્રારંભ સાથે થયેલા કમોસમી વરસાદને કારણે કચ્છની કેસર કેરીને નુકશાન થયું હતું. કચ્છના માંડવી, ભુજ, નખત્રાણા અને અંજારમાં કેસર કેરીનું જંગી વાવેતર થાય છે. કચ્છમાં ચાલુ વર્ષે લગભગ 10900 હેકટરમાં કેસર કેરીનું વાવેતર થયું હતું. જો કે, ઉનાળના આરંભ સાથે થયેલા માવઠાને પગલે કચ્છી કેસર કેરીના પાકને નુકશાન થયું હતું. કમોસમી વરસાદને પગલે પગલે પાંચ હજાર હેકટર જેટલા વિસ્તારમાં કેસર કેરીના પાકને નુકશાન થયું હતું. માવઠાને પગલે કેસર કેરીનું વાવેતર કરનાર ખેડૂતો ચિંતામાં મુકાયાં હતા. ચાલુ વર્ષે કચ્છી કેસર કેરીના પાકને થયેલા નુકશાનને પગલે પ્રતિ 10 કિલોનો ભાવ રૂ. 700થી 1200 થવાની શકયતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચાલુ વર્ષે ઉનાળાના આરંભ સાથે જ માર્ચ મહિનામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. માર્ચ મહિનામાં લગભગ પાંચેક વખત માવઠું પડ્યું હતું. જેથી ખેતરમાં ઉભા પાકને નુકશાન થયું હતું. કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકશાનનું વળતર મળી રહે તે માટે સરકારે સહાયની જાહેરાત કરી હતી. જે માટે રાજ્યભરમાં સરકારી કર્મચારીઓએ સર્વે કર્યો હતો. સરકારના સર્વેની કામગીરી પ્રત્યે કેટલાક ખેડૂતોએ નારાજગી પણ વ્યક્ત કરી હતી.