રાજકોટઃ શહેરના આજીડેમ પાસે કિસાન ગૌશાળા નજીક 14 કરોડના ખર્ચે 47 એકર ફોરેસ્ટ અર્બન જગ્યામાં રાજ્યનું પ્રથમ રામ વન બનાવવામાં આવ્યું છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સાતમ-આઠમના તહેવારો દરમિયાન શહેરીજનોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવ્યો હતો. તહેવારો પૂર્ણ તથા મ્યુનિ. દ્વારા ટિકિટના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 3 થી 10 વર્ષના બાળકોની રૂ.10 અને વયસ્કોની રૂ.20 પ્રવેશ ફી વસુલવામાં આવશે. જયારે પ્રત્યેક સોમવારે રામવન બંધ રાખવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટમાં આજી ડેમ નજીક મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વિશાળ રામવનનું નિર્માણ કરાયુ છે. રામ વનમાં 14 વર્ષના વનવાસ ઉપરાંત ભગવાન રામના જીવન ચરિત્ર સાથે સંકળાયેલા અલગ અલગ પ્રસંગોની ઝાંખી દર્શાવવામાં આવી છે. ભગવાન રામના જીવન આધારિત પ્રસંગોના અહીં અલગ અલગ 22 જેટલા સ્કલ્પ્ચર પણ મૂકવામાં આવ્યા છે. જેમાં સૌથી વધારે ભગવાન રામની વિશાળ મૂર્તિ, જટાયુ દ્વાર, ભગવાન રામના ધનુષ આકારનો મુખ્ય પ્રવેશ દ્વાર, પર્વત લઇ આવેલા હનુમાનજી મહારાજના સ્કલ્પ્ચર આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજરોટના ભાગોળે રામ વન બનાવવાનું કામ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વર્ષ 2019માં શરૂ કરવામાં આવ્યું હતું અને તેનું કામ 2022 સુધીમાં પૂર્ણ થતા મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયુ હતુ. મ્યુનિ. કોર્પોરેશનને રામ વન તૈયાર કરવામાં 14 કરોડના ખર્ચે થયો છે. રામ વનમાં કુલ 25 ભાગ દર્શાવવામાં આવ્યા છે. રાજકોટ મનપા દ્વારા અલગ અલગ 22 સ્કલ્પ્ચર ઊભાં કરવા માટે લગભગ 1.50 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે.રામ વનમાં ઇલેક્ટ્રિક કારની સુવિધા પણ છે. સાથે સાથે અહીંયા ત્રણ ફૂડકોર્ટ, બાળકો માટે હિંચકા લપસીયા, વોકિંગ ટ્રેક, કોન્ફોરન્સ રૂમ, મિટિંગ રૂમ, એમ્ફી થિયેટર, બેસવા માટે 5 સાદા ગઝીબો, 2 કલાત્મક ગઝીબો, 3 ટોયલેટ, સુરક્ષા માટે 3 માળની ઉંચાઈ ધરાવતા 2 ટાવર, CCTV કેમેરા અને ટ્રેકની આજુબાજુમાં બેસવા માટે સોફા ટાઈપ બેન્ચીસ પણ ખાસ મૂકવામાં આવી છે.