Site icon Revoi.in

સુરતને વધુ હરિયાળું બનાવવા માટે લોકોને મ્યુનિ.દ્વારા 15મી સપ્ટેમ્બર સુધી રોપા અપાશે

Social Share

સુરતઃ ગ્લોબલ વોર્મિંગને કારણે ગુજરાતમાં આ વખતે ઉનાળો વધુ આંકરો રહ્યો હતો. અને અમદાવાદ સહિત શહેરોમાં તાપમાનનો પારો 46 ડિગ્રીને વટાવી ગયો હતો. જેમાં સુરતમાં પણ 44 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચ્યો હતો. વિકાસના કામોને લીધે હજારોની સંખ્યામાં વૃક્ષો કપાય રહ્યા છે. વૃક્ષોની સંખ્યામાં થતો ઘટાડો  ચિંતાનો વિષય છે. ત્યારે ચોમાસા દરમિયાન વધુને વધુ વૃક્ષો વાવવામાં આવે અને લોકોમાં આ અંગે જાગૃતિ આવે તે માટે સુરત મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરમાં મેગા પ્લાન્ટેશન કરાશે. તે માટે પ્રથમ વખત માઇક્રો પ્લાનિંગ કરાયું છે. વરસાદના પ્રારંભ સાથે વૃક્ષારોપણનું મેગા અભિયાન હાથ ધરાશે. 5 જૂનથી 15મી સપ્ટેમ્બર સુધી શહેરીજનોને વિનામૂલ્યે રોપા વિતરણ માટે 9 ઝોનમાં સેન્ટર શરૂ કરાયા છે.  જ્યારે મ્યુનિની વેબસાઇટ અને એપ્લિકેશન પર નોંધણી કરીને પણ નર્સરી સેન્ટરથી રોપા મેળવી શકાશે. ગાર્ડન ખાતાની ટીમ સ્થળ પર આવીને પ્લાન્ટેશનની માહિતી આપી વૃક્ષારોપણ પણ કરી જશે.

સુરત શહેરને ગ્રીનસિટી બનાવવા મ્યુનિ.કોર્પોરેશને વૃક્ષારાપણની ઝૂંબેશ આદરી છે. આ વખતે મેગા અભિયાનમાં 7,64,147 રોપાનું ગાર્ડન વિભાગ એનજીઓ સાથે જન ભાગીદારીથી પ્લાન્ટેશન કરશે. 4.44 લાખ વૃક્ષારોપણ સ્વયંમ સેવી સંસ્થાઓ, ટ્રસ્ટો સહિતના પર્યાવરણ પ્રેમીઓ દ્વારા મળીને કરાશે. ચોમાસાના 4 મહિના અભિયાન હાથ ધરાયું છે. બુધવારે બુડીયા લેક ગાર્ડનમાં 30 વૃક્ષો અને વિવિધ ઝોનમાં 6,083 રોપાઓનું પ્લાન્ટેશન કરાયું અને 12,622 રોપા વહેંચાયા હતા.

આ ઉપરાંત ડિવાઇડરોમાં ગેપ ફિલિંગ, સર્કલ, બાગ, લેક ગાર્ડન, શાંતિકુંજ, આરોગ્ય કેન્દ્ર, પ્લોટો, કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, વાંચનાલય, સ્કૂલો, ‌‌BRTS રૂટ, કેનાલ પર જગ્યા નિર્ધારિત કરાઇ છે. માઇક્રો પ્લાનિંગમાં 5,22,500 રોપા પ્લાન્ટેશન કરાશે.  રોડ સાઇડ પ્લાન્ટેશન, આઇલેન્ડ- સર્કલ, ખાડી-કેનાલ, સ્કૂલો, વોટર વર્કસ, એસટીપી, પંપીગ, આંગણવાડી, પાર્ટી પ્લોટો,વાંચનાલય એનજીઓ, ટ્રસ્ટો સાથે જન ભાગીદારીથી પ્લાન્ટેશન કરવા નક્કી કરાયા છે ત્યાં 2,41,647 રોપા રોપાશે.  શહેરીજનો, એનજીઓ, બાયોડાયવર્સિટી પાર્ક સહિતની સંસ્થાઓ 7.64 લાખ છોડ રોપશે. તેથી ગ્રીન બેલ્ટ પણ વધશે.