અમદાવાદમાં 4.73 રોપા વાવવા કલેક્ટરે મ્યુનિ.કોર્પોરેશનને 3.5 લાખ ચો.મી. જમીન ફાળવી
અમદાવાદઃ શહેરમાં હાલ વરસાદની સીઝનમાં વધુને વધુ વૃક્ષારોપણ થાય તે માટે મ્યુનિ.કોર્પોરેશને ઝુંબેશ હાથ ધરી છે. શહેરમાં વિકાસના નામે ભૂતકાળમાં ઘણાબઘા વૃક્ષોનું છેદન થયું હતું તેની સામે નવા વૃક્ષો વવાતા નથી. દર વર્ષે આમ તો ઘણા વૃક્ષો વાવવામાં આવે છે, પણ વૃક્ષના રોપા વાવવામાં આવ્યા બાદ તેની સારસંભાળ રાખવામાં આવતી નથી એટલે વૃક્ષોના છોડ મુરઝાઈ જાય છે. હવે વરસાદી સીઝનમાં વધારે વૃક્ષો વાવવાનું મ્યુનિ.એ અભિયાન આદર્યું છે. શહેરને ગ્રીનકવર વધારવા માટે અલગ અલગ વિસ્તારની પડતર અને ગૌચરની કલેકટર હસ્તકની 3.5 લાખ ચો.મી. જમીન મ્યુનિ.ને સોંપી છે. જ્યાં મ્યુનિ. તંત્ર વૃક્ષારોપણ કરી શકશે. આ 34 પ્લોટ માં 4.73 લાખ વૃક્ષ વવાશે.
અમદાવાદ કલેકટરે શહેરમાં કુલ 3.5 લાખ ચો.મી.ના 34 પ્લોટ મ્યુનિ.ને સોંપવાનો હુકમ કર્યો છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટના પ્રયાસોને કારણે જિલ્લા કલેકટરે 3 દિવસમાં આ પ્લોટ સોંપવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છેકે, ખાલી પડી રહેતા આ પ્લોટમાં ભારે ગંદકી થતી હોય છે. હવે આ વિસ્તારમાં ગ્રીનરી ઉભી કરાશે. 3.5 લાખ ચો.મી. જગ્યામાં 1 લાખ ચો.મી. જગ્યામાં મીયાવાકી પદ્ધતિથી 4 લાખ વૃક્ષો વાવવામાં આવશે. બાકીની 2.5 લાખ ચો.મી. જમીન પર ગીચ વૃક્ષારોપણ દ્વારા 73 હજાર વૃક્ષ ઉછેરાશે.